કચ્છ : સરહદી જિલ્લો કચ્છ આમ તો હવે સંપૂર્ણ રીતે કોંગ્રેસ મુક્ત બન્યો છે. ત્યારે હજી પણ લોકસભા 2024 ની ચૂંટણીની આશા રાખીને કચ્છમાં કોંગ્રેસ સક્રિય બન્યું છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોએ કચ્છની મુલાકાત લીધી હતી. તેઓ દ્વારા કચ્છ કોંગ્રેસના કાર્યકર્તાઓને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સરકાર પર નિશાન સાધ્યું : કચ્છની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અર્જુનભાઈ મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ મોંઘવારી, બેરોજગારી, ડ્રગ્સ કેસ, ભરતી કૌભાંડ, પેપર લીક કાંડ વગેરે મુદ્દે પોતાના મંતવ્યો રજૂ કરીને ભાજપ સરકાર પર પ્રશ્નો ઊભા કર્યા હતા. કચ્છ જિલ્લામાંથી મળી રહેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ મામલે સરકાર પર નિશાન સાધી આરોપીઓ કેમ નથી ઝડપાતા તેવો પ્રશ્ન કર્યો હતો.
ડ્રગ મુદ્દે સરકાર પર આક્ષેપ : અર્જુનભાઈ મોઢવાડીયાએ વધુમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અંદર 28 વર્ષથી સરકાર છે. છતાં ભારતીય જનતા પાર્ટી હંમેશા 28 વર્ષ પહેલા કોંગ્રેસે શું કર્યું હતું એની વાત કરે છે. 28 વર્ષ પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ડ્રગ્સ જેવું કંઇ નહોતું અને દારૂનું પણ નામો નિશાન નહોતું. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે કચ્છને ડ્રગ્સ લેન્ડિંગનું હબ બનાવી દીધું છે. આખા દેશમાંથી જેટલું ડ્રગ્સ નથી પકડાતું એટલું ડ્રગ્સ માત્ર કચ્છમાંથી ઝડપાયું છે. કચ્છમાં દોઢ લાખ કરોડથી પણ વધુની કિંમતનો ડ્રગ્સ પકડાયો હશે.આટલા વ્યાપક પ્રમાણમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે છતાં પણ આજ દિવસ સુધી ડ્રગ્સ લેન્ડિંગ પ્રકરણમાં એક પણ મોટું માથું પકડાયું નથી. જેટલો ડ્રગ્સ પકડાય છે તેનાથી 9 ગણું ડ્રગ્સ તો પહેલા પ્રવેશી ચૂક્યું હોય છે. જેનો ભોગ ગુજરાતના અને દેશના યુવાનો બની રહ્યા છે.
આ વખતે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના વચનો છે તેને ફગાવી તેના જુઠા વચનોનો પર્દાફાશ પણ થવાનો છે. -- અર્જુનભાઈ મોઢવાડીયા (પૂર્વ પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસ)
ભાજપ પર પ્રહાર : અર્જુનભાઈ મોઢવાડીયાએ કહ્યું કે, કચ્છને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ભ્રષ્ટાચારનો પણ હબ બનાવ્યો છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૌચર જમીન અને સરકારી જમીન વહેંચીને કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દીધો છે. કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ કથળેલા છે. ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર એટલા બધા નબળા છે કે જેની લીધે પ્રજાનો રાજનીતિમાંથી વિશ્વાસ જ ઉઠી જાય તે પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરી રહ્યા છે.
વિપક્ષ ગઠબંધન : આજે સમગ્ર દેશની અંદર કોંગ્રેસની આગેવાની હેઠળ 26 જેટલા પક્ષોનું ગઠબંધન થયું છે. 2019 માં જો આ ગઠબંધન બન્યું હોત તો તે વખતે 51 લાખથી વધુ મતો ભારતીય જનતા પાર્ટી કરતા વધુ મળ્યા હોત અને સરકાર પણ બની હોત. પરંતુ આ વખતે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના વચનો છે તેને ફગાવી તેના જુઠા વચનોનો પર્દાફાશ પણ થવાનો છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોંઘવારી વધી ગઈ, ગેસના બાટલાના ભાવ, ખાતરના ભાવ, વીજળીના ભાવ, દવાઓના ભાવ વગેરે વધારો થયો છે.
લોકસભા ચૂંટણીની તૈયારી : આ વખતે 2024 ની અંદર કોંગ્રેસ આખા ગુજરાત રાજ્યમાં સ્વીપ કરીને જે રીતે 2004 માં 26 માંથી 12 બેઠક લઈ આવ્યા હતા. તે રીતે આ વર્ષે તેનાથી પણ સારું પરિણામ લઈ આવીશું અને દિલ્હીની અંદર કોંગ્રેસની આગેવાનીમાં સરકાર બનાવીશું. કચ્છ હાલમાં કોંગ્રેસ મુક્ત બન્યું છે. ત્યારે કોંગ્રેસને ફરીથી સત્તામાં લાવવા અંગે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, જ્યારે કોઈ પડે છે ત્યાર બાદ તેઓ જ ઊભા થતા હોય છે. પ્રજા હંમેશા વિચારીને જ મત આપતી હોય છે. કોંગ્રેસમાં નબળાઈ આવી હશે પરંતુ હવે સૌ કોઈએ આત્મચિંતન કર્યું છે. તેના અંતે જનતાના સહકારથી કોંગ્રેસ આ બેઠક પણ જીતવાની છે.