કચ્છ: તાલુકાના વિકાસમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું છોગું ઉમેરવાની મંજૂરી ગત વર્ષે ઓકટોબર મહિનામાં આપવામાં આવી છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ અદાણી સમુહ દ્વારા તૈયાર થનારા આ એરપોર્ટની હાલની સ્થિતિ જૈસૈ થે વૈસે હી..હોવાનું જાણવા મળે છે. મુંદરા ખાતે અદાણી પોર્ટ, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનાવવામાં આવ્યા પછી મુંદ્રા એરપોર્ટ બનાવ્યું છે. જેનું સંચાલન અદાણી ગ્રૂપ કરી રહ્યું છે. હવે અદાણી સમુહ પ્રસ્તાવિત રીતે રૂપિયા 1400 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની દિશામાં કદમ ચોક્કસ માંડયા છે પણ તેની ગતિ ધીમી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કચ્છના મુંદ્રા ખાતે અદાણી સમુહ દ્વારા પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બાદ આ મહત્વકાંક્ષી પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યો છે. વિગતો મુજબ ગત 7 ઓક્ટોબર 2019માં આ પ્રસ્તાવિત યોજના મુંદ્રા ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ માટે શરતોના આધારિત પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી છે. સાથે જ જહાજી નિયમો માટે અન્ય સમિતિને સંપર્ક માટે પણ કહેવામાં આવ્યું છે. આ પર્યાવરણીય મંજૂરી અંગે લોક સુનાવણીમાં અનેક વાંધાઓ રજૂ થયાનું જાણવા મળી રહ્યું છે. આ વચ્ચે પ્રસ્તાવિત અને કચ્છના વિકાસમાં મહત્વનું પાસું બનનાર એરપોર્ટ અંગે હાલ કોઈ વિગતો સામે આવી નથી.
કચ્છના મુંદ્રા સ્થિત અદાણી સમુહના અધિકારીઓ સમીર શાહ, રમેશ આયડી અને મહત્વપુર્ણ હોદ્દાઓ પણ અદાણી સમુહમાં સેવા આપનાર નિરંજન એન્જિનિયરે પણ આ પ્રોજેકટ અંગે માહિતી આપવામાં અસમર્થતા દર્શાવી હતી. પ્રોજેકટ અંગે કયા અધિકારીનો સંપર્ક કરી શકાય તેની વિગતો પણ આપી નથી.
જાણકારોએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હજુ મુંદ્રા એરપોર્ટની આસાપાસ જે સુચિત ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. તેની કામગીરી ચાલુ થયાની કોઈ જાણ નથી. લાંબા સમયથી આ પ્રોજેકટ અંગે નવુ કોઈ જ અપડેટ પણ બહાર આવ્યું નથી. જો કે, આ ડ્રાય કાર્ગો ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાનું જણાવાઈ રહ્યું છે. જેથી કચ્છમાં વ્યપારી ધોરણે તેનો મહત્તમ ઉપયોગ શરૂઆતી તબક્કે થાય તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે, સતાવાર કોઈ વિગતો ઉપલબ્ધ નથી. નોંધનીય છે કે, અદાણી સમુહ દ્વારા મુંદ્રામાં પોર્ટ સેઝન અને હવે એરપોર્ટનું નિમાર્ણ થઈ રહ્યું છે.