ડૉ. સપન પંડ્યા, ડૉ. અનુજ શુક્લા અને ડૉ. તરલ પરીખે મેડિસીનના તબીબો અને છાત્રોને જણાવ્યું કે, વાને હળવાશથી લઈ શકાય નહીં. સામાન્ય લાગતી આ વાત સંધિવાથી માંડી વ્યાપ વધે તો કિડની, ફેફસાં અને હૃદય સુધી અસર કરી શકે છે. સ્પેશિયાલીસ્ટ તબીબો વિશેષ માર્ગદર્શન આપતા કહ્યું કે, આધુનિક સંશોધન મુજબ ડીઝીસ મોડીફાઈંગ રૂમેટોલોજીક ડ્રગ્સની જરૂરિયાત મુજબ સારવાર કરીને દર્દીને ઈમરજન્સીની પરિસ્થિતિમાંથી ઉગારી લેવો જોઈએ. સાંધામાં પાણી ભરાઈ જાય અને તેના લીધે રસી ઉત્પન્ન થાય તે મેડિકલ સાયન્સમાં ઈમરજન્સી પરિસ્થિતિ ગણાય છે.
કચ્છમાં વા-સંધિવાનું નોંધપાત્ર પ્રમાણ હોવાથી જિલ્લાના તબીબોને અને મેડિકલ છાત્રોને વાના રોગ અને આધુનિક ઉપચારની જાણકારી આપવા પ્રોફેસર ડૉ.જયેશ ત્રિવેદીના વડપણ હેઠળ થયેલા આયોજન અંગે અદાણી કોલેજના ડીન ડૉ.ગુરદાસ ખીલનાની, મેડિકલ ડાયરેક્ટર ડૉ.જ્ઞાનેશ્વર રાવ, સિવિલ સર્જન ડૉ.કશ્યપ બુચ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન ડૉ. યેશા ચૌહાણે કર્યું હતું.