કચ્છઃ કચ્છના બાગાયતી પાકો જેમ કે કેરી, ખારેક અને દાડમના રસ વગેરેનો ઉપયોગ કરીને નવા ઉત્પાદનો બજારમાં મૂકવામાં આવશે. આ દ્વારા કચ્છની સરહદ ડેરી અને અમૂલ સાથે મળીને નવી ક્રાંતિ તરફ ડગ માંડશે. કચ્છની સરહદ ડેરીના ચેરમેન, અમૂલના વાઇસ ચેરમેન અને કચ્છ કુરિયનની વિશેષ ઉપાધિ ધરાવતા વલમજી હુંબલે આ બાબતે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
વલમજીભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી સરહદ ડેરી આ બાગાયતી પાકોના માર્કેટ તરફ જવાનું વિચારી રહી છે. તાજેતરમાં મને અમૂલના ઉપપ્રમુખની જવાબદારી મળી છે. ત્યારે કચ્છના ખારેક, આંબા અને દાડમના પાકોના ખેડૂતોના સંગાથે આ યોજના વિચારણા હેઠળ છે. ત્યારે અમૂલ બ્રાન્ડના સંગાથે સરહદ ડેરી આ સાહસ ખેડવાની આગેવાની લેશે.
કચ્છમાં એકથી ત્રણ કેરેટના શાકભાજી અને ફળોની બજાર છે, જ્યાં એ ગ્રેડના પાક તાત્કાલિક વેચાઈ જાય તે સ્વાભાવિક છે, પણ બી અને સી ગ્રેડના પાક જે બાગાયતી પાકો છે. તેમાં ખાસ વેચાણ ન થતા ખેડૂતો હેરાનગતિ ભોગવતા હોય છે. પરંતુ અમૂલના સહયોગ વડે આ પાકોના પણ ખેડૂતોને સારા ભાવ મળશે, તેમજ ગ્રાહકોને ઉત્પાદનોની વેરાયટી મળતી થશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશમાં આ પ્રોજેક્ટ ચોક્કસપણે મદદ કરશે. આ માટે ખેડૂતોના પાકની તાલુકા સ્તરેથી અથવા ગ્રામ્ય સ્તરેથી જ ખરીદી કરાશે તેમજ વધુને વધુ બાગાયતી પાકો ઉગાડવાની ખેડૂતોને પ્રેરણા પણ મળશે.