કચ્છ : ભુજમાં આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારિણી શિબિરનો આજથી પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આ શિબિરમાં એક સત્રમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ભુજની આર.ડી.વરસાણી સ્કૂલ ખાતે આરએસએસની શિબિરની બેઠકમાં મુખ્યપ્રધાને હાજરી આપવા સાથે સર સંઘચાલક મોહન ભાગવતે પણ મુખ્યપ્રધાન સાથે બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીઓને લઇને રાજકીય સમર્થનો મેળવવાની સીઝન પૂરબહારમાં છે ત્યારે આ મુલાકાતના ઘણાં અર્થ કાઢી શકાય છે.
આરએસએસ સ્થાપનાની શતાબ્દિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને વર્ષ 2025માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. વર્ષ 1925 માં નાગપુરના મોહિતેવાડા મેદાન ખાતે 10 થી 15 બાલ તરુણોથી પ્રારંભ થયો હતો. સંઘની શાખા આજે દેશના નગરીય ક્ષેત્રોમાં વસ્તી સુધી અને ગ્રામીણ સ્તરે મંડળ અને ગામો સુધી વિસ્તરી છે. ડોક્ટર કેશવરાવ બલીરામ હેડગેવારે રોપેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે અને હવે સંઘ શતાબ્દિ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. ત્યારે કાર્ય વિસ્તારના ભાગરૂપે કચ્છના મુખ્ય મથક ભુજમાં બેઠકો અને શિબિરનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.
મુખ્યપ્રધાન અને સંઘના વડા મોહન ભાગવત વચ્ચે બેઠક અનેકવિધ સંકલ્પો સાથે ભુજમાં આયોજિત રાષ્ટ્રીય કાર્યવાહીની શિબિરનો આજથી પ્રારંભ થયો છે. જેમાં એક લાખ સંઘ કાર્યાલય ખોલવાના સંકલ્પ સહિત રાષ્ટ્ર હિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સંઘના વડા ડો. મોહન ભાગવત પહેલાંથી જ આ બેઠકમાં ભાગ લેવા માટે કચ્છ આવ્યા છે. ત્યારે આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ એક સત્રમા ભાગ લેવા માટે 3 કલાકની ટુંકી મુલાકાત માટે આવ્યા હતાં. ભૂપેન્દ્ર પટેલ સાથે દેશભરના આરએસએસના અનેક મોટા જવાબદારો આ બેઠકમાં ભાગ લીધો હતો અને સત્રના અંતિમ દિવસે મોહન ભાગવત કાર્યક્રરોને સંબોધન કરશે.
લોકસભાની ચૂંટણી પૂર્વે મળનારી કાર્યકારી મંડળીની આ બેઠકમાં ચર્ચા જ્યારે આ શિબિરમાં બાકીના દિવસોમાં અલગ અલગ વિષય તથા આરએસએસ તથા રાષ્ટ્ર હિતના મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવશે. 2024ની લોકસભાની ચૂંટણી પૂર્વે મળનારી કાર્યકારી મંડળીની આ બેઠક અગાઉ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાગવત વચ્ચેની બેઠક અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર પ્રતિ દિવાળી પૂર્વે ભારતીય કાર્યકારી મંડળીની બેઠક દેશના કોઇ એક સ્થાન પર મળતી હોય છે. આ વખતે લોકસભાની ચૂંટણી પૂર્વે આ બેઠક કચ્છ ખાતે મળી રહી છે. તો આ બેઠક ભુજમાં 5 નવેમ્બરથી 7 નવેમ્બરના ત્રણ દિવસ માટે મળવા જઇ રહી છે. સંઘના વડા વિવિધ કાર્ય વિસ્તાર સહિતની બાબતો પર ચિંતન કરી રહ્યા છે.