- આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન
- ભુજમાં ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર-પ્રસાર પૂરજોશમાં શરૂ
- નગરપાલિકાનાં સૌથી પોશ ગણાતા વોર્ડ નં.7ના રહીશોએ જણાવી તેમની સમસ્યા
ભુજ: નગરપાલિકાનો વોર્ડ નંબર 7 એટલે કે સંસ્કાર નગર એક પોશ એરિયા છે. જ્યાંથી સૌથી પહેલા અને સૌથી વધારે ટેક્સ ભરવામાં આવે છે. સંસ્કાર નગરના રહીશોને વરસાદી પાણીની, રખડતા ઢોરોની, પીવાના પાણીની અને ઉભરાતી ગટરની સમસ્યાઓ તથા સ્ટ્રીટ લાઈટની સમસ્યાઓ લાંબા સમયથી પરેશાન કરી રહી છે.
અઠવાડિયામાં માત્ર એક વખત કચરાનો નિકાલ કરવામાં આવે છે
ચોમાસાની ઋતુમાં અહીં વરસાદી પાણીની સમસ્યા ખૂબ જ વધી જાય છે અને તે પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો ન હોવાથી રહેવાસીઓને પરેશાની ઉદ્ભવે છે. આ ઉપરાંત ઉભરાતી ગટરના પાણીની પણ સમસ્યા પણ સ્થાનિકોને સતાવે છે. રાત્રિના સમયમાં રખડતા ઢોરો ઘણી મોટી સંખ્યામાં ભેગા થઇ જાય છે અને લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે, કચરો અઠવાડિયે એક જ વાર લઈ જવામાં આવે છે. જો અઠવાડિયાના બદલે એકાંતરે કે રોજ લઈ જવામાં આવે તો સમસ્યાનો નિકાલ થાય તેમ છે. હવે જે કોઈપણ ઉમેદવાર ચૂંટાઈને આવે તેેણે સ્થાનિકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાની સાથે સાથે સંસ્કાર નગરના રહેવાસીઓની પ્લાન્ટેશન, યોગા ગ્રાઉન્ડ, સિનિયર સિટીઝન ગાર્ડન, નાના છોકરાઓ માટે પ્લે ગ્રુપ અને સંસ્કાર નગરનાં બ્યુટીફીકેશન માટેની માંગણી પણ પૂર્ણ કરવામાં આવે, તેવી પણ માગ કરવામાં આવી છે.