કચ્છન: રાજવી પરિવારના મોભી મહારાવ પ્રાગમલજી ત્રીજાએ કચ્છીઓને ઘરમાં જ રહીને લોકડાઉનનો અમલ કરી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કોરોના વાઈરસ સામેની લડાઈમાં કાર્ય કરી રહેલા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગની કામગીરીની સરાહના કરવા સાથે તેમણે રમઝાન માસની શુભકામના પણ પાઠવી હતી.
કચ્છના રાજ પરિવારના કુંવર ઈન્દ્રજિંતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજવી મહારાવ પ્રાગમલજીએ લોકડાઉનની અમલવારી વચ્ચે કાર્યરત વિદ્યુત અને પ્રચાર માધ્યમ તથા સેવા સાથે સંકળાયેલા સહિતનાને બિરદાવીને જણાવ્યું હતું કે, સંકટની આ વિકટ ઘડીની વેળાએ રાજ પરિવાર અને તંત્ર કચ્છીઓની પડખે જ છે.
તારીખ 24મી એપ્રીલના રોજ પરિવારના મહારાણી પ્રીતિદેવીનો જન્મદિન હોવાથી આ નિમિત્તે પ્રધાનમંત્રી રાહતફંડમાં ફાળો આપવા સાથે ધાર્મિક સહિતની વિવિધ સંસ્થાઓ અને લોકોને ઉપયોગી થાય તેવાં સેવાનાં કાર્યો કરવામાં આવી રહ્યાં છે. પ્રાગમલજી ત્રીજાએ મહામારીના આ સમયે સૌ કચ્છીજનો સરકારને સાથ આપે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરી ઘરમાં રહી સુરક્ષિત રહે તેવી અપીલ કરી છે.