- કચ્છમાં મેઘરાજા "રાતપાળી" કરી
- ભુજ,ભચાઉ, રાપર,અબડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો
- અંજાર, ગાંધીધામ, માંડવી તાલુકામાં વરસાદી ઝાપટાં પડયા
કચ્છ: રાજ્યમાં મહિનાની શરૂઆતમાંજ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લામાં અંજાર, ગાંધીધામ,માંડવી અને મુન્દ્રા પંથકને બાદ કરતા તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ પડ્યો હતો. ભુજમાં ગત રાત્રે 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો રાપરમાં ગઈકાલે ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
છેલ્લા ચોવીસ કલાકમાં ભુજ, ભચાઉ અને અબડાસામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો
જિલ્લાના પાટનગર ભુજમાં દિવસભર કાળા વાદળો ઘેરાયેલા રહ્યા હતા અને પવનની ગતિ નહીવત રહેતા ભારે ઉકળાટ રહ્યો હતો.પણ રાત્રિના 12 વાગ્યા બાદ વરસાદ શરૂ થતા 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અબડાસા તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. તાલુકાના કાળા તળાવ ,ગઢવાળા ,વરાડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા સુકાઈ રહેલા પાકને જીવતદાન મળવાથી ખેડૂતો ખુશીથી ઝુમી ઉઠયા હતા આ ઉપરાંત ભચાઉ તાલુકામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી આજે અમદાવાદમાં બનેલા સરદાર ધામનું વર્ચ્યુઅલી કરશે લોકાર્પણ
નખત્રાણા અને લખપતમાં માત્ર ઝરમર વરસાદ
નખત્રાણા અને લખપત તાલુકામાં રાત્રિ દરમિયાન ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો અને બંને તાલુકાઓમાં પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત મુન્દ્રા તાલુકામાં ભારે ઉકળાટનો અનુભવ લોકોએ કર્યો હતો પરંતુ વરસાદ વરસ્યો ન હતો.
રાપરમાં 4 ઇંચ વરસાદ વરસતાં ખેડૂતો ખુશખુશાલ
રાપર તાલુકામાં રાત્રિના દસ વાગ્યે જોરદાર ગાજવીજ સાથે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહી નિકળ્યા હતા. નંદાસર, ડાવરી, ત્રંબો,નિલપર, ડાભુંડા ,સઈ કલ્યાણપર સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદના ઝાપટા પડ્યા હતા. સતત બે દિવસ થી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોમા વરસાદની આશા બંધાઈ છે ખેતરોમા ઉભા પાકને ખૂબ ફાયદાકારક વરસાદ સાબિત થશે વરસાદના લીધે લોકોમા આનંદની લાગણી વ્યાપી છે.
આ પણ વાંચો : 9/11નો આતંકી હુમલો: જે ભયાનકતાના દશ્યો આજે પણ યથાવત
ભારે વરસાદને પગલે ખેતરમાં પાણી ભરાયાં
આ ઉપરાંત કચ્છમાં મોડી રાતે થયેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. ગત રાત્રિએ કચ્છમાં ભારે તોફાન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે રાપર વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાયા હતા.ખેડૂતોએ વરસાદ થતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને રાપર શહેર અને આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદને લીધે ખેતીના પાકને ફાયદાકારક છે. તેવું જણાવ્યું હતું જો ખેતીવાડીમા મોલ પાકશે તો વેપારીઓના ધંધા રોજગારમાં ફાયદો થાય તેમ છે. હવે બે દિવસ થી પડી રહેલા વરસાદને કારણે લોકો ને વધુ વરસાદની આશા બંધાઈ છે. વરસાદના લીધે વાતાવરણ ઠંડકમય બની ગયું હતું.