- લોકોની જાગૃતિ અને સાવચેતી અભિનંદનીય
- ભચાઉમાં 10 દિવસમાં 2000 ટેસ્ટ, તમામ નેગેટિવ
- તાલુકાની બે લાખની વસ્તીનો દર સપ્તાહે સર્વે
કચ્છઃ કોરોના વાઇરસ અટકાવવા માટે જનજાગૃતિ અને પ્રચાર પ્રસારના પગલે ભચાઉ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના નાથવાના પ્રયાસોથી હાલ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લા દસ દિવસોથી ભચાઉ તાલુકો કોરોના મુકત જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર અને નોવેલ કોરોના વાઇરસ કોવિડ-19 ની માર્ગદર્શિકા અનુરુપ આ કામગીરી સાથે સંકળાએલા આરોગ્ય, સેવા કે પ્રચાર પ્રસાર કર્મીઓ જ નહીં, પરંતુ કોવિડ ગાઈડ લાઈનને અનુરુપ જીવનશૈલી અમલી બનાવનારા સૌ આ માટે યશના ભાગીદાર છે તેવી લાગણી વ્યકત કરીને આરોગ્ય વિભાગે હજુ પણ સાવચેતી અને જાગૃતિ જાળવી રાખવા અનુરોધ કર્યો છે.
કોરોના હારશે ગુજરાત જીતશે તેને સાર્થક કરી શકાશે
ભચાઉ તાલુકાના કોરોનાના અંતિમ દસ દિવસનો રિપોર્ટ બતાવે છે કે, આયોજનબદ્ધ અડગ નિર્ધારથી કરેલા કાર્ય અને તેમાં આપેલા સહયોગથી અચુકપણે કોરોના હારશે ગુજરાત જીતશે સાર્થક કરી શકાશે. જરૂર છે ફકત આયોજનબધ્ધ કામગીરી અને તેનું ફોલોઅપ જેમ ભચાઉ તાલુકાની આરોગ્ય ટીમે કરી બતાવ્યુ છે.
આરોગ્ય વિભાગના 302 લોકોની ટીમ સતત કામમાં
કોરોના અટકાયત માટે આરોગ્ય ટીમ ભચાઉમાં મેડિકલ ઓફિસર 7, આયુષ મેડિકલ ઓફીસર 3, આર.બી.એસ.કે.મેડિકલ ઓફિસર 8, સુપરવાઈઝર 12, સી.એચ.ઓ 10, ફાર્માસીસ્ટ 7, લેબ ટેક 8, આરોગ્ય કર્મચારી સ્ત્રી 54 , પુરુષ 42 અને આશા 151 બહેનો સઘન કામગીરી કરી રહ્યા છે. તેઓ દ્વારા લોકોને કોરોના અટકાયતી પગલાઓ જેવા કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવુ અને હાથ ધોતા રહેવાની સલાહ અપાય છે અને તેનું સમયાંતરે ફોલોઅપ પણ કરાઇ રહ્યું છે.
દર અઠવાડીયે હાઉસ ટુ હાઉસ સર્વે
ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.કે. સિંઘના માર્ગદર્શન અંતર્ગત તાલુકાના 3 સી.એચ.સી, 7 પી.એચ.સી. અને 4 ધન્વંતરી રથ દ્રારા તારીખ 13 ડિસેમ્બરથી આજ દિન સુધી શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ ના 1575 એન્ટીજન ટેસ્ટ અને 279 આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કોઈ પોઝિટિવ કેસ નથી. ધન્વંતરી રથ દ્રારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ સાથે રોગ પ્રતિકારક શક્તિ માટે આર્યુવેદિક અને હોમીઓપેથીક દવાઓનું વિતરણ કરાઈ રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓ સ્ત્રી, પુરુષ અને આશાની 208 ટીમો દ્રારા ભચાઉ તાલુકાની રુરલની 1,55,637 વસ્તી તથા અર્બન ભચાઉની 46,218 વસ્તીનો દર અઠવાડિયે હાઉસ ટુ હાઉસ સર્વે કરી લોકોને કોરોના અટકાયતી પગલાઓનું માર્ગદર્શન આપી શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
સુપર સ્પ્રેડર્સ પર ખાસ નજર
લોકોને જન જાગૃતિ માટે તમામ જાહેર જગ્યા અને સરકારી ઓફીસોમાં બેનર અને પોસ્ટર લગાવવામા આવ્યા છે. ભચાઉ શાકભાજી માર્કેટમાં સુપર સ્પ્રેડર ફેરીયાઓ અને વેપારીઓના 128 ટેસ્ટ કરાતા તમામ નેગેટિવ આવ્યા હતા. ભચાઉ નગરપાલિકા, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાત કચેરી, જી.ઇ.બી, બેન્ક, પોસ્ટ ઓફિસ, એસ.આર.પી.કેમ્પમાં તમામ કર્મચારી, અધિકારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને આ સતત ચાલુ રાખવાની પ્રક્રિયા છે.