- જીલ્લામાં પ્રથમ ડોઝ 14 લાખ અને બીજો ડોઝ 6 લાખ લોકોને અપાયો
- 26 થી 30 તારીખ સુધી ડ્રાઇવ માટે 1 લાખ ડોઝ ઉપલબ્ધ કરાયા
- મતદારયાદી પ્રમાણે પ્રથમ ડોઝની 92 ટકા કામગીરી પૂર્ણ
કચ્છ : કચ્છ જીલ્લામાં પ્રથમ ડોઝનાં 14 લાખ થી વધુ અને બીજા ડોઝનાં 6 લાખ થી વધુ લોકોને વેકસીન અપાઇ ચૂકી છે. પ્રથમ ડોઝ લેનારા માંથી બે લાખ જેટલા લોકો હજી પણ બીજા ડોઝથી વંચીત છે તે લાભાર્થીઓને આવરી લેવા માટે દિવાળી પૂર્વે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે ભુજ, અંજાર અને ગાંધીધામમાં ડ્રાઇવ ઇન સેશનની સાથે કોલેજો, મુખ્ય બજાર, મોલ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
કચ્છ જિલ્લામાટે 1 લાખ ડોઝ ઉપલબ્ધ કરાયા
આજે 26 તારીખ થી 30 તારીખ સુધીની પાંચ દિવસીય આ ડ્રાઇવ માટે કચ્છ જિલ્લા માટે 1 લાખ ડોઝ ઉપલબ્ધ કરાયા છે. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ લોકોને પોતાની રોજબરોજની ચહલપહલ દરમિયાન તેજ સ્થળે વેક્સીન મળી રહે અને લાભાર્થીઓના સમયનો બચાવ થાય તે માટેનો છે.
વેક્સીન લેવાં જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી
જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે, આ પાંચ દિવસનો પાયલોટ પ્રોજેકટ છે પછી દિવાળીની રજાઓ છે. આ પ્રોજેકટને સારો પ્રતિસાદ મળશે તો દિવાળી બાદ ફરી આવું આયોજન વિવિધ સ્થળોએ ગોઠવવામાં આવશે. છેલ્લા બે મહિનામાં જેટલા પણ કેસો આવ્યા છે તેમાં 1 પણ દર્દી ગંભીર ન હતો. રસી લેવાથી કોરોના બીમારીનું સંકટ ઘટી જાય છે જેથી મહત્તમ લોકોને આ આયોજનનો લાભ લેવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે.
ભુજ, અંજાર અને ગાંધીધામ ખાતે કરાયું રસીકરણનું આયોજન
ભુજમાં ટાઉન હોલ ખાતે સમય 3 થી 8 વાગ્યા સુધી ડ્રાઈવ ઇન-સેશન રાખવામાં આવ્યું છે. મુખ્ય બજારમાં ડી માર્ટ, ભીડ ગેટ, સરપટ ગેટ, વાણિયાવાડ ખાતે બપોરે 3 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી તેમજ New ST Bus Station, પ્રાઇવેટ બસ સ્ટોપ પર દિવસ દરમિયાન તથા રેલવે સ્ટેશન પર ટ્રેનના આવવા જવાના સમય પર રસીકરણ કરવામાં આવશે. આવી જ રીતે ગાંધીધામ અને અંજારમાં પણ ડ્રાઈવ ઇન-સેશન કોલેજ, બસ સ્ટેશન, મુખ્ય બજારો અને રેલવે સ્ટેશન ખાતે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે.
મતદારયાદી પ્રમાણે પ્રથમ ડોઝની 92 ટકા કામગીરી પૂર્ણ
કચ્છમાં મતદારયાદી પ્રમાણે 15.20 લાખ લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે પણ સરકાર દ્વારા મતદારયાદી કરતા વધુ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક અપાયો છે. જેથી જિલ્લામાં 16.38 લાખ લોકોને વેકસીન આપવાનું આયોજન છે. હાલમાં 14 લાખથી વધુ લોકોએ પ્રથમ ડોઝ મુકાવી લીધો છે જેથી મતદારયાદી પ્રમાણે વેકસીનેશનની કામગીરી 92 ટકા જેટલી થઈ છે. સરકાર દ્વારા અપાયેલા લક્ષ્યાંક પ્રમાણે કામગીરી 85 ટકા થઈ હોવાનું જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સના મીરે વિરાટ કોહલીના વખાણ કર્યા
આ પણ વાંચો : સરકારી બાબુઓને મોટો ફાયદો, 1 જુલાઈ 2021થી થશે લાગુ