- બે દિવસ અગાઉ કચ્છ સાંસદના ભાણેજનું ફાયરિંગમાં મોત થયું હતું
- અભ્યાસના ટેન્શનના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું
- આત્મહત્યામાં ઉપયોગમાં લેવાયેલી રિવોલ્વર પારિવારિક ભાઈની હોવાનું બહાર આવ્યું
કચ્છ: રવિવારે બપોરે કચ્છના સાંસદ વિનોદ ચાવડાના બનેવી રમેશ લોન્ચાના 23 વર્ષીય પુત્ર અક્ષય લોન્ચાએ રિવોલ્વરથી ફાયરીંગ કરીને આત્મહત્યા કરી હતી. અક્ષયનો મૃતદેહ બંધ કારમાંથી મળી આવ્યું હતું અને તેની સાથે એક રિવોલ્વર પણ મળી આવી હતી. આ બનાવને પગલે નખત્રાણા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: vadodara sucide: મોકસી ગામે 21 વર્ષીય પ્રેમી-પંખીડાંએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
યુવકે આત્મહત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું
નખત્રાણા પોલીસે આ બનાવ અંગે વધારે તપાસ હાથ ધરી હતી. તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, યુવકે જાતે આત્મહત્યા કરી છે. આ ઉપરાંત યુવકે આત્મહત્યા માટે ઉપયોગમાં લીધેલા રિવોલ્વર જે પોલીસે કબ્જે કરી હતી તે યુવકના પારિવારિક ભાઈની હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
અભ્યાસના ટેન્શનને લીધે યુવકે આત્મહત્યા કરી: DySP વી.એન.યાદવ
નખત્રાણાનાં DySP વી.એન.યાદવે આ ઘટના અંગે Etv Bharat સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બનાવ અંગે આકસ્મિક મોત અંગેનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવાને આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. અક્ષય US માં ડોક્ટરીનો અભ્યાસ કરતો હતો અને તેને અભ્યાસનું ટેન્શન હોવાને કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.