કચ્છ: ભુજમાં અગાઉ ક્યારેય ન યોજાયો હોય તેવો મહાયજ્ઞ નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખાતે યોજાશે જેમાં આહુતિ આપવાનો સદભાગ્ય પ્રાપ્ત કરવા આઠ હજારથી વધારે દંપતીઓએ નામ નોંધાવ્યા છે. જેમાં બનાવાયેલા 200 યજ્ઞ કુંડમાં એકસાથે 600 દંપતીઓ આહુતિ આપી શકશે. ભુજના દ્વિશતાબ્દી મહોત્સવમાં 11,000 કિલો ગોબરમાંથી ગો મહિમા પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે.
લોકોને આકર્ષણ: દ્વિશતાબ્દી મહોત્સવ ભુજની ભાગોળે ઊભા કરવામાં આવેલ બદ્રિકાશ્રમ ધામ ખાતે યોજાશે. આ મહોત્સવમાં વિવિધ પ્રદર્શનીઓ જેમાં બદ્રીવન અને ગૌ મહિમા દર્શન જેવી પ્રદર્શની અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. જ્યારે મુખ્ય 9 દિવસીય મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલું છે. આ મહોત્સવમાં પ્રદર્શની તેમજ આકર્ષિત મુખ્ય સ્ટેજ અને મુખ્ય દ્વાર મારફતે લોકોને આકર્ષવા કલાત્મક કારીગરીના કામ માટે કોલકાતાથી ખાસ 40 જેટલા કારીગરોને ભુજ બોલાવવામાં આવ્યા છે.
200 કુંડી વૈદિક યજ્ઞશાળા: દ્વિશતાબ્દી મહોત્સવમાં એક વિશાળ વૈદિક યજ્ઞ શાળા ઊભી કરવામાં આવી રહી છે. જેમાં ભવ્યાતિભવ્ય 200 કુંડી મહાવિષ્ણુયાગ મહાયજ્ઞ કરવામાં આવશે. બદ્રિકાશ્રમ ધામ ખાતે 18મી એપ્રિલના સવારના 7 વાગ્યે આ 200 કુંડી મહાવિષ્ણુયાગનો પ્રારંભ થશે. આ મહાવિષ્ણુયાગ માટે દરેક કુંડી પર એક ભૂદેવ સાથે ત્રણ દંપતી યજ્ઞમાં આહુતિ આપશે.
9000 હરિભક્તો મહાપુજાનો લાભ લેશે: ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અવતારો, ઈશ્વરો, અનંત મુક્તો, પાર્ષદોએ સહિત વિશિષ્ટ અને વિશેષ રૂપે ભક્તિભાવ પૂર્વક કરાતી મોટી પૂજા એટલે મહાપુજા,તો દ્વિશતાબ્દી મહોત્સવમાં આ મહાપુજા માટે એક વિશાળ વાતાનુકૂલિત ડોમ ઉભુ કરવામાં આવ્યું છે જ્યાં સવારના 7 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી દરરોજ 600 જેટલા હરિભક્તો દ્વારા મહાપુજા કરવામાં આવી રહી છે. આ મહાપૂજાનો લાભ દેશ વિદેશના હરિભક્તો લઈ રહ્યા છે. 15 દિવસમાં કુલ 9000 હરિભક્તો આ મહાપુજાનો લાભ લેશે.