કચ્છ: રાપરમાં ધારાશાસ્ત્રી અને બામસેફ સંસ્થા સાથે જોડાયેલા દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કરવામાં આવી છે. ધારાશાસ્ત્રીની સરજાહેરમાં હત્યા કરવામાં આવતા સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાધાત પડયા છે.

પ્રાથમિક વિગતો અનુસાર રાપરના મહેતા કોમ્પ્લેક્ષ નજીક ધારાશાત્રી દેવજીભાઇ મહેશ્વરી પર ઘાતક હુમલો કરવામાં આવતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
બામસેફ સંસ્થા સાથે જોડાયેલા અને ઇન્ડિયન લોયર એસોસિએસનનાા અધ્યક્ષ દેવજીભાઇને હુમલાખોરે તીક્ષ્ણ હથિયારના ત્રણથી ચાર ઘા માર્યા હતા. હુમલાખોર એક યુવાન હોવાનું અને બાદમાં તે નાસી ગયાનું બહાર આવ્યું છે.

હુમલાખોરની આ સમગ્ર હરકત CCTVમાં કેદ થઇ છે. પોલીસે સંબંધિત સ્થળોએ બંદોબસ્ત તૈનાત કરવા સહિતનાં પગલાં ભરીને આરોપીને પકડી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે. હત્યા ક્યા કારણે અને ક્યા હેતુથી કરવામાં આવી છે તે સહિતની વિગતો સ્પષ્ટ થઈ શકી નથી.