- નોન પ્લાન અને રિસરફેસીંગ થનારા વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત
- મોડકુબા સુધી નર્મદાના પાણી પહોંચાડવા સરકાર કટિબધ્ધ
- સરકાર દ્વારા વિકાસકામો પ્રજાના પૈસે થાય છે
કચ્છઃ અંજાર તાલુકાના મોડવદર ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ ભુજ તેમજ માર્ગ મકાન પેટા વિભાગ, મુન્દ્રા દ્વારા રૂપિયા 5.41 કરોડના ખર્ચે નિર્મિત થનારા નોન પ્લાન અને રિસરફેસીંગ થનારા વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઇ આહિરે કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, ‘‘વડાપ્રધાન દ્વારા પ્રજાર્પણ થનારા ધોરડો ખાતે સોલાર અને વીન્ડ એનર્જી પાર્ક તેમજ માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટથી કચ્છ વીજળી ક્ષેત્રે તો આત્મનિર્ભર બની જ રહ્યું છે, પરંતુ સ્થાનિકોની રોજગારીની ઉત્તમ તકો પણ ઉભી થઇ રહી છે.
રાજયપ્રધાને ઉમેર્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રૂપિયા 1 હજાર 45 કરોડની નર્મદાના પાણી માટે જોગવાઇ કરી છે. છેક મોડકુબા સુધી નર્મદાના પાણી પહોંચાડવા સરકાર કટિબધ્ધ છે. ‘‘સરકાર દ્વારા થતાં વિકાસકામો પ્રજાના પૈસે થાય છે તેને સાચવવાની જવાબદારી પણ પ્રજાની છે.’’ રૂપિયા 81.92 લાખના ખર્ચે મોડવદરથી નેશનલ હાઈવે રોડ રૂપિયા 51.10 લાખના ખર્ચે માથક એપ્રોચ રોડ, રૂપિયા 36.08 લાખના ખર્ચે વરસામેડી શાંતિધામ-ગેબનશા પીર રોડ, રૂપિયા 79.94 લાખના ખર્ચે જુના પસુડાથી નવા પસુડા રોડ, રૂપિયા 2.24 કરોડના ખર્ચે એરોડ્રામ વરસામેડી, વેલસ્પન રોડ રીસરફેસીંગ અને રૂપિયા 68.83 લાખના ખર્ચે પસુડા-સુખપર રોડને રીસરફેસીંગ પૈકી કુલ વિવિધ 6 રોડ રસ્તા કામનું શનિવારે ખાતમુહૂર્ત થયું હતું. આ ઉપરાંત રૂપિયા 2.24 કરોડના ખર્ચે રીસરફેસીંગ થનારા 8 કિ.મી.ના એરોડ્રામ વરસામેડી વેલસ્પન રોડથી લોકોને સુવિધા મળશે.
નર્મદાથી કચ્છમાં હરિયાળી ક્રાંતિ સર્જાશે
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કચ્છમાં થયેલા વિકાસ કામોને રજૂ કરતાં જણાવ્યું હતું કે, ‘‘રોડ રસ્તા, પાણી કે વીજળી, પ્રજાના દરેક કામો પુરા કરવા સરકાર કટિબદ્ધ છે.’’ મનરેગા ડાયરેક્ટર મનજીભાઇ આહિરે જણાવ્યું હતું કે, દરેક સમાજને સરકાર વિકાસના મુખ્ય પ્રવાહમાં લઇ જઇ રહી છે. અગ્રણી શંભુભાઇ આહિરે પ્રાસંગિક પ્રવચનમાં કચ્છ અને અંજારમાં સરકાર દ્વારા થયેલા વિકાસ કામોની રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘‘સિંચાઇ માટે વરસામેડીને રૂપિયા 92 લાખની ગ્રાન્ટ મંજૂર થઇ છે. નર્મદાથી કચ્છમાં હરિયાળી ક્રાંતિ સર્જાશે.