કચ્છ : ભુજની બજારમાં હાલે અવનવા પતંગ અને દોરીની પતંગ રસિયાઓ દ્વારા મનભરીને ખરીદી કરવામાં આવી રહી છે. તો મોટા પતંગની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે.તો ઠંડીના કારણે ગામડાના લોકો ખરીદી કરવા ઓછા આવી રહ્યા છે. તો આ વર્ષે લોકો ચીલ, ફુમ્મક, ઘેરા, ચાંદ સહિતનાં પતંગોની પણ પતંગ રસિયાઓ ખરીદી કરી રહ્યા છે. જ્યારે દોરામાં બરેલીની તથા નવતાર પાંડાની ફીરકી આ વખતે પણ હોટ ફેવરિટ જોવા મળી રહી છે.
ગત વર્ષ કરતા 2થી 5 ટકા જેટલો ભાવ વધારો : શહેરી વિસ્તારોમાં સામાન્ય રીતે પતંગ રસિયાઓ કાગળના પતંગ ઉડાડવાનું વધારે પસંદ કરતા હોય છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોના લોકો આજે પણ પ્લાસ્ટિકનાં પતંગની વધારે માંગ કરતા હોય છે. જેમાં મુખ્યત્વે ઝાલર પ્રિન્ટ, છોટા ભીમ, ઇગલ, ખંભાત, જોધપુર અને જેતપુરની પતંગની વધુ માગ છે. ફીરકીની દોરીમાં લાલ કિલ્લા, ગ્લાઇન્ડર તેમજ કમાન્ડો જેવી દોરીની રિટેલ વેપારીઓમાં માંગ વધુ જોવા મળી રહી છે. હાલમાં પતંગ-દોરાના ભાવમાં ગત વર્ષ કરતા 2થી 5 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતા પણ ભાવને અગવણીને પણ ભુજની પતંગ બજારમાં સારી એવી ઘરાકી જોવા મળશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું.
નાના બાળકો માટે ફિશીંગ પતંગો : મકરસંક્રાંતિ પર્વની ઉજવણી માટે રંગબેરંગી પતંગોથી ભુજની બજારો સજ્જ થઈ ચૂકી છે. ક્ચ્છ અને ખાસ કરીને ગુજરાતીઓના માનીતા તહેવાર ઉત્તરાયણના પર્વને લઇને ભુજની બજારોમાં ઠે૨ ઠેર રંગબેરંગી પતંગો, નાના પતંગો,ફેન્સી માસ્ક, સોલાર કેપ, બ્યુગ્લ, ગુબ્બારા, કાપડના પતંગો, ફુગ્ગાઓ સહિતની વસ્તુઓની ડિમાન્ડ પણ વધતી જઈ રહી છે.નવી વેરાયટીમાં આ વખતે અવનવા કાપડના પતંગો તેમજ મોટા ઝરી વાળા કાગળના અને પ્લાસ્ટિકના પતંગો આવ્યા છે તો કાના બાંધેલા પતંગોની માંગ પણ વધી છે,બજારમાં 3 કિલોના વજનનો મોટો ફીરકો પણ આવ્યો છે.તો નાના બાળકો માટે અવનવી પ્રિન્ટવાળા કાર્ટૂનવાળા પતંગો અને ખાસ કરીને ફિશીંગ પતંગ આવ્યા છે કે જેનાથી બાળકોના હાથમાં ચીરા ના પડે.
આ વર્ષે ઠંડીના હિસાબે બરેલીની દોરની માંગ અપૂર્ણ : છેલ્લાં 37 વર્ષોથી પતંગ અને દોરનો વેપાર કરતા પરેશભાઈ ઠકકરે જણાવ્યું હતું કે 37 વર્ષોનો અનુભવ છે કે ભુજની જનતા ઉતરાયણની પહેલાંના બે દિવસોમાં જ ખરીદી કરવા ઉમટે છે.હાલ ગામડાની ઘરાકીમાં ઠંડીના કારણે ઘટાડો છે.ઉપરાંત દોરીની વાત કરવામાં આવે તો ખાસ કરીને બરેલીની દોરની માંગ હોય છે પરંતુ આ વખતે પણ ઠંડીના કારણે પોરા પડવાના હિસાબે દોરનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી આવ્યું અને તેની જગ્યાએ નવતર પાંડા તેમજ લાલ કિલ્લા જેવી દોરની માંગ પણ વધી છે અને આ વખતે ગત વર્ષની સરખામણીએ 2 થી 5 ટકા જેટલો જ ભાવ વધારો આવ્યો છે.
કાના બાંધેલા પતંગોની માંગ વધારે : અન્ય વેપારી પૂજન ધિરાવાણીએ જણાવ્યું હતું કે, હાલ તો બજારમાં ઠંડીનો માહોલ છે માટે ઘરાકી પણ ઠંડી છે .જોકે દ્ર વરસની જેમ આ વખતે પણ ઉતરાયણના આગલા દિવસે સારી ઘરાકી જોવા મળશે તેવી આશા છે.આ વર્ષે ખંભાતના, જોધપુરના પતંગોની માંગ વધારે છે અને નવી વેરાયટીમાં નાના બાળકો માટે ફિશીંગ પતંગો આવ્યા છે જેથી કરીને બાળકો પણ આ તહેવારનો આનંદ માણે અને તેમને હાથમાં ચીરા ના પડે.ઉપરાંત છેલ્લાં થોડાક વર્ષોથી કાના બાંધેલા પતંગોની માંગ પણ વધારે રહે છે જેના હિસાબે આ વર્ષે 3000 જેટલા કાના બાંધેલા પતંગો તૈયાર કરવામાં આવ્યા છે.