કચ્છ:કોરોના વાઈરસ સામેની લડાઇમાં લડી રહેલા કોરોના વોરીયર્સ, વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગને જરૂરી સુવિધા પુરી પાડવાના અભિયાન હેઠળ માધાપર સમસ્ત જૈન સમાજના 'તેરા તુજકો અર્પણ' અભિયાન દ્વારા માધાપરના મઢુલી ખાતે 19 દિવસથી સેવાકીય પ્રવૃતિ ચાલી રહી છે.
સંસ્થા દ્વારા સવારે 450 અને સાંજે 450 પેકેટ એમ પ્રતિદિન 900 જેટલા ફૂડ પેકેટસ જરૂરતમંદોને અપાય છે. રાશનકીટ, માસ્ક, સેનેટાઈઝર સહિતનું વિતરણ કરવામાં આવી રહયું છે.
સંસ્થા દ્વારા ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ એસ.પી. પરીક્ષિતાબેન રાઠોડેે 50 પર્સનલ પ્રોટેકશન ઈકવીપમેન્ટ કીટ, 2000 માસ્ક અને 10 હજાર હેન્ડ ગ્લોવઝ આપવામાં આવ્યા હતા. ભારતનગરના 25 દલિતોને રાશનકીટ આપવામાં આવી હતી.
સંસ્થાના હિતેશ ખંડોરે જણાવ્યું હતું કે કાર્યકરોની ટીમ સાથે મળીને કચ્છભરમાં વિવિધ સેવા આપી રહી છે. ખાસ કરીને કોરોના સામેના જંગમાં જોડાયેલા પોલીસ આરોગ્ય અને સફાઈ કામદારો માટે વિશેષ સુવિધા અને સાધનોની મદદ કરાઈ રહી છે. સંસ્થા દ્વારા ગૌવંશ માટે 51 જેટલા ગામોમાં ચારો મોકલવામાં આવી રહયો છે.