ભુજ: કોરોના મહામારીને અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો બીજો તબકકો શરૂ કરવો પડયો છે. જેને પગલે અનેક લોકો પોતાના વતન ઘર અને રાજયથી અન્ય જગ્યાએ અટવાયેલા છે. રાજ્ય સ્તરેથી મળેલી સૂચના અંતર્ગત કચ્છમાં પણ પ્રાંત અને મામલતદાર કક્ષાએ ખાસ યાદી બનાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. જો કે તંત્રએ સ્પષ્ટ કર્યુ છે, કે માત્રને માત્ર વિધાર્થીઓ, પ્રવાસીઓ અને ધાર્મિક દર્શન માટે આવેલા લોકોની જ સરાકારે યાદી મંગાવી છે. જેમાં અન્ય રાજયના લોકો અટવાયેલા હોય તેમનો જ સમાવેશ કરવાનો છે.
આસિસ્ટન્ટ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ ઈટીવી ભારતને વિગતો આપતાં કહ્યું કે, અત્યારના તબક્કે લોકડાઉનના લીધે અટવાઇ પડેલા યાત્રાળુઓ, શરણાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરાઇ રહી છે. એ જ રીતે કચ્છમાં અટવાયેલા અન્ય રાજ્યોના લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે.
આ યાદી કલેક્ટરને સુપરત કરાયા બાદ રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. રાજ્ય સરકાર અટવાયેલા લોકોને પરત લાવવા માટે શું વ્યવસ્થા ગોઠવશે તેના આધારે સ્થાનિક તંત્ર પણ સૂચના મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરાશે.
મામલતદાર કક્ષાએ ખાસ નંબર જારી કરી જે કોઇ યાત્રાળુ-વિદ્યાર્થી કે અન્ય કોઇ સંબંધિતો લોકડાઉનના કારણે અટવાયેલા હોય તેમના નામ સહિતની વિગતો વોટ્સએપ મારફત મંંગાવી યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે કચ્છમાં આ કેટેગરીમાં આવતા લોકો કોઈ જગ્યાએ અટવાયા હોય તો તેમની યાદી તૈયારી થઈ રહી છે અને કચ્છમાં અન્ય રાજયનો કોઈ અટવાયેલા હોય તેમની યાદી તૈયાર થઈ રહી છે. પોતાના જ રાજયમાં જિલ્લાઓમાં અટવાયેલો લોકોનો સમાવેશ કરવાની સુચના નથી ખાસ કરીને પરંપ્રાતીય શ્રમિકો સહિત લોકોની યાદી બનાવાની કોઈ જ કામગીરી થતી નથી. જે લોકો જયાં છે ત્યાં જ રહે અને તંત્રના સહકાર સાથે લોકડાઉનનું અમલ કરે તેવી તેમણે અપીલ કરી હતી.