- કચ્છની મુલાકાતે કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનેવાલ
- માંડવી બંદરને કેન્દ્રિય પ્રધાનના હસ્તે દીવાદાંડીની ભેટ
- અઢી કરોડના ખર્ચે દીવાદાંડીનું નિર્માણ કરવામાં આવ્યું
કચ્છ : કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનેવાલ આજે માંડવીની મુલાકાતે પહોંચતા રાવળપીર દાદાના મંદિર પાસે આવેલી દીવાદાંડીનું ઉદ્ઘાટન કર્યું હતું. માંડવી બંદરને આ સુવિધા પ્રાપ્ત થતા રાષ્ટ્રહિતની કામગીરીમાં એક નવો આયામ સર કરી શકાશે. કેન્દ્ર સરકારના લાઈટ હાઉસ અને શિપ્સ વિભાગ દ્વારા દરિયા કિનારા વિસ્તારોમાં સુરક્ષા અને વિકાસના અનેક કાર્યો કરવામાં આવે છે. જે અન્વયે માંડવી નજીકના રાવળપીર મંદિર તિર્થ સ્થાન પાસે 31 મીટર ઉંચી અદ્યતન ટેકનિક સાથેની લાઈટહાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે દરિયાઈ માર્ગે પ્રકાશ પાડીને જહાજોનું માર્ગદર્શન કરશે.
મોદીએ દેશના ચારેય ખુણાને એક તાંતણેથી જોડયા - સર્બાનંદ સોનેવાલ
અદ્યતન દીવાદાંડીનું ઉદ્ઘાટન કરી કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનેવાલે શ્યામજી કૃષ્ણ વર્માને વંદન કરી જણાવ્યું હતું કે, કચ્છ ગુજરાતના લોકોના વ્યવહારથી હું પ્રભાવિત થયો છું. તમારા વ્યવહારથી સંસ્કૃતિ અને સભ્યતાની ઝાંખી થઈ છે. મોદીએ દેશના ચારેય ખુણાને એક તાંતણેથી જોડયા છે. મોદીજીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રના વર્ગોનો વિકાસ થઈ રહ્યો છે. મોદીના નેતૃત્વમાં ભારત દેશ અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે.
દેશ વિકાસના માર્ગે ગતિ કરી રહ્યો છે - વિનોદ ચાવડા
દીવાદાંડીનું ઉદ્ઘાટન કર્યા બાદ સબંધીત અધિકારીઓ પાસેથી કેન્દ્રિય પ્રધાને માંડવી બંદરની કામગીરીની પણ વિગતો મેળવી હતી. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નવા નવા પ્રકલ્પો થકી દેશ વિકાસના માર્ગે ગતિ કરી રહ્યો છે. સમાજના છેવાડાના લોકો અને વિસ્તારો સુધી વિકાસ પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : Drugs Case:આર્યન ખાનની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી
આ પણ વાંચો : લખીમપુર હિંસાના રિપોર્ટની ઢીલાસ બદલ યુપી સરકારને સુપ્રિમનો ઠપકો, 26 ઓક્ટોબરે થશે સુનાવણી