- વોર્ડ નં.-4માં સ્થાનિક લોકોને સમસ્યાઓ સતાવી રહી છે
- 20 વર્ષથી અહીંના સ્થાનિક લોકોને પ્રાથમિક સવલતો નથી મળતી
- પાણી, ગટર, સફાઈ, લાઈટ જેવી સમસ્યાઓથી ત્રસ્ત
ભુજ : નગરપાલિકાના વોર્ડ નં.-4માં સ્થાનિક લોકોને વર્ષોથી સમસ્યાઓ સતાવી રહી છે. અહીંના સ્થાનિકો જણાવે છે કે તેઓ પાણી, ગટર, સફાઈ, લાઈટ જેવી સમસ્યાઓથી ત્રસ્ત બન્યા છે. રહેવાસીઓએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે, વિસ્તારના નગરસેવકો વિસ્તારની તેમજ લોકોની શું સમસ્યાઓ છે, તે જાણવા માટે મુલાકાત લેવા પણ નથી આવતા.
છેલ્લા 20 વર્ષોથી લોકો છે પરેશાન
વોર્ડ નં.-4ના નગરસેવકો પાસે ઘણી વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નગરસેવક મુલાકાત લેવા આવતા નથી. છેલ્લા 20 વર્ષથી અહીંના સ્થાનિક લોકોને પ્રાથમિક સવલતો ન મળતા સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોએ આક્રોશ વ્યકત કરતાં કહ્યું હતું કે, 'કાઉન્સિલર તો અમારા ફોન પણ ઉપાડતા નથી અને અત્યારે ઓફિસે નથી પછી ફોન કરજો' આ પ્રકારના જવાબો આપે છે.
સ્થાનિકો રસોઈનું કામ કરવા બહાર જાય છે
વોર્ડ નં.-4ના મોટા ભાગના સ્થાનિકો રસોઈનું કામ કરવા બહાર જતા હોય છે અને રાત્રિના સમયે મોડેથી આવવાનું થતું હોય છે. ત્યારે રોડ ઉપર લાઇટની સવલત ઉપલબ્ધ ન હોવાથી પરેશાની ઊભી થાય છે. ગટર અને સફાઈની પરેશાનીથી લોકોને આવર-જવરમાં પણ તકલીફ પડે છે. નગરસેવકો સામાન્ય દિવસોમાં વિસ્તારની મુલાકાત લેવા આવતા નથી પરંતુ જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે ઘણી બધી વાર મુલાકાત લેવા આવે છે અને આગળ પાછળ થાય છે. મત માંગવા માટે અને ખોટે ખોટા વાયદાઓ આપે છે.
વોર્ડ નં.-4ના ભાજપના ઉમેદવારનો ખુલાસો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નં.-4માં ભાજપ પક્ષ તરફથી ઉભેલા ઉમેદવાર રાજેશ ગોરે આ સમસ્યા અંગે વાતચીત કરતા કહ્યું હતું કે, અહીં કોઈ જ સમસ્યા નથી. વોર્ડમાં તો અનેક વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે. અમે લોકો વચ્ચે જઈએ જ છીએ એવો ખુલાસો કર્યો હતો.