ભચાઉ: કોરોના મહામારી વચ્ચે હવે મુંબઈ સ્થાયી થયેલા અને મહામારી દરમિયાન વતન કચ્છ તરફ નજર દોડાવી રહેલા મુંબઈકર કચ્છી પોતાના માદરે વતન કચ્છમાં કાપડનું બિઝનેસ પાર્ક બનાવવા માટે પ્રયાસો શરુ કર્યા છે.
આજે મુખ્યપ્રધાન સાથેની વીડિયો સંવાદમાં આ બાબતે પણ ચર્ચા થઈ હતી અને જો બધું યોગ્ય રીતે પાર પડશે તો આગામી સમયમાં મુંબઈમાં કાપડ બિઝેનસ જેવો જ બિઝનેસ આત્મનિર્ભરતા સાથે કચ્છમાં શરૂ થશે જે કચ્છના વિકાસ માટે પણ મહત્વપુર્ણ બની શકે છે. મુંબઈમાં 20 હજારથી વધુ કચ્છી વેપારીઓ આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ત્યારે કચ્છમાં ગારમેન્ટ હબ બનાવવા તરફ ડગ મંડાયા છે.
ભચાઉ ખાતે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની લાઇવ કોન્ફરન્સમાં નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા દ્વારા ગારમેન્ટસ મેન્યુફેકચરીંગ, વર્કર વેલ્ફેર એસોસીએશન વતી ભચાઉ(કચ્છ) વિસ્તારમાં ગારમેન્ટસ હબ (બિઝનેશ પાર્ક) બનાવવા અને રોજગારીની તકો તેમજ સરકારની યોજનાનાં લાભ આપવા અંગેની રજુઆત કરવામાં આવી હતી.
ભચાઉ-સામખીયાળી વચ્ચે બિઝનેસ પાર્ક બનાવવાની પહેલ કરવા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ અનીલભાઇ ગામી, ગારમેન્ટ મેન્યુફેકરીંગના અગ્રણી વેપારીઓ , બહારગામ વસતા ગારમેન્ટ મેન્યુફેકચરીંગનાં કામકાજ કરતાં તમામ વેપારીઓને એક સાથે જોડાવવા ઓનલાઇન http://www.formlets.com /forms/RdOGgDG54anmNcON/ ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વેપારીઓ પાસે પોતાના નામ, સરનામા, ધંધાની વિગત સાથે ફીડબેક ફોર્મ ભરવા જણાવ્યું હતું. ટુંક સમયમાં 1540 વેપારીઓ દ્વારા બિઝનેસ પાર્ક બનાવવાની પહેલમાં જોડાયા છે. અંદાજે 20 હજાર થી વધુ વેપારીઓ ગારમેન્ટ બિઝનેસ સાથે જોડાયેલા છે.
આ કાર્યક્રમમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના રાજયપ્રધાન વાસણભાઇ આહિર જનતા જનાર્દનના સહયોગથી કચ્છને સવાયુ સિંગાપુર બનાવાના સપનાને સાકાર કરવાનું જણાવ્યું હતું. કોરોના મહામારીને પગલે વિશ્વમાં વસતા સમગ્ર વાગડવાસીઓને વિનંતી કરે છે કે ચાલો વતનને વિકસાવીએ સરકારનો તમને સદા સહયોગ રહેશે. અનીલભાઇ ગામી દ્વારા ઓનલાઇન ફીડફોર્મની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, અગ્રણી દિલીપભાઇ ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહયા હતા.