કચ્છ: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા (Food corporation of india)આયોજિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં કચ્છ યુનિવર્સિટીના (Kutch University)બે વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. આ વિદ્યાર્થીઓએ ઘઉંની ગુણવત્તા અને ઉંમર ચકાસવા માટે નવી ટેકનિક વિકસાવી હતી. આ વખતે કચ્છ યુનિવર્સિટીના રસાયણ વિજ્ઞાન વિભાગના છાત્રોએ નારિયેળમાં રહેલા જીવલેણ(Fatal elements in coconut) તત્વો ચકાસવાની રેપિડ મેથડ શોધી કાઢી છે. આ બન્ને સંશોધનને યુનિવર્સિટી દ્વારા પેટન્ટ પણ કરાવવામાં આવ્યું છે.
જંતુનાશક તત્વો જાણી શકાશે - કચ્છ યુનિવર્સિટીના રસાયણ વિજ્ઞાન વિભાગના બે વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ મહિના પહેલા સંશોધન કરાયેલ ઘઉંની ગુણવત્તા ચકાસવાની પદ્ધતિ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા પસંદ કરવામાં આવી હતી. તો ફરીથી રસાયણ વિજ્ઞાન વિભાગના અન્ય બે વિદ્યાર્થીઓ મનાલી ગોસ્વામી અને નરેન્દ્ર ચુડાસમા દ્વારા નારિયેળમાં રહેલા મોનોક્રોટોફોસ તત્વોને (Monocrotophos)ચકાસવાની રેપિડ મેથડ બનાવવામાં આવી છે. જેથી કરીને આપણે જે નારિયેળ પાણીને અમૃત જળ માનીએ છીએ તેમાં કોઈ જંતુનાશક તત્વો તો નથી રહેલાને તે જાણી શકાશે.
આ પણ વાંચોઃ કચ્છ યુનિવર્સિટીમાં જૈન સ્ટડીઝ અને IAS કોચિંગ સેન્ટરનું લોકાર્પણ, સી.આર.પાટીલની રજતતુલા કરવામાં આવી
મોનોક્રોટોફોસ નામનું રાસાયણિક ખાતર કેન્સરને આપે છે આમંત્રણ - ભારતમાં મોનોક્રોટોફોસ નામનું રાસાયણિક ખાતર પર પ્રતિબંધ છે. પણ નારિયેળના ઝાડ પર સફેદ જીવાત (White Flies)ન પડે તે માટે ખેડૂતો દ્વારા આ પદાર્થનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નારિયેળના ઝાડોને મૂળમાંથી અપાતું આ રાસાયણિક ખાતર નારિયેળ પાણીમાં પણ મળી આવે છે જે કેન્સરનું કારણ પણ બને છે અને તે કારણે જ આ ખાતરના વપરાશ પર રોક લગાવવામાં આવી છે. પણ વ્હાઈટ ફ્લાય નામના જીવાતથી બચવા ખેડૂતો ગેરકાયદેસર રીતે આનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત મોનોક્રોટોફોસના કારણે પાકમાં પણ વધારો થાય છે અને વધારે નારિયેળ મેળવવાની લાલચમાં ખેડૂતો તેની ઉપયોગ વધારી રહ્યા છે.
મોનોક્રોટોફોસના લક્ષણો નારિયેળ પાણીના સંશોધનમાં મળી આવ્યા - વિદ્યાર્થીઓના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે છ મહિના અગાઉ અપાયેલા મોનોક્રોટોફોસના લક્ષણો નારિયેળ પાણીમાંથી મળી આવ્યા હતા. આ દિશામાં એક વર્ષ સુધી કામ કરી અને 200 જેટલા સેમ્પલ લઈને વિદ્યાર્થીઓ દ્વારા નારિયેળ પાણીમાં મોનોક્રોટોફોસના લક્ષણો ચકાસવાની રેપિડ પદ્ધતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ સંશોધનને યુનિવર્સિટી દ્વારા પેટન્ટ કરાવવામાં આવી - કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જી.એમ.બુટાણીએ જણાવ્યું હતું કે, રસાયણ વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. બક્ષી અને પ્રોફેસર ડૉ. રામના માર્ગદર્શન હેઠળ ચાલેલા આ સંશોધનને યુનિવર્સિટી દ્વારા પેટન્ટ કરાવવામાં આવી છે. ઘઉંની ગુણવત્તા ચકાસવાની પદ્ધતિને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા દેશભરમાં લાગુ કરાશે તો સાથે જ નારિયેળ પાણીમાં કોઈ જંતુનાશક તત્વો તો નથીને તેનું સંશોધન પણ પેટન્ટ થતાં હવે આ પદ્ધતિ થકી યુનિવર્સિટી આવક ઊભી કરી શકશે.