કચ્છ : શિક્ષણ મેળવવો એ દરેક વિદ્યાર્થીનો મૂળભૂત અધિકાર છે, પરંતુ આ શિક્ષણ મેળવવા માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકની પણ જરૂર રહે છે, ત્યારે રાજ્યમાં એવી અનેક શાળાઓ છે. જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. તો સૌથી મોટા જિલ્લા કચ્છમાં પણ હાલમાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. તો બદલી કેમ્પમાં લીધે શિક્ષકોની ઘટ વધારે જોવા મળી રહી છે.
કચ્છમાં કુલ 1682 જેટલી શાળાઓ છે, જેમાં પ્રાથમિક વિભાગમાં 9462 શિક્ષકોનું મહેકમ છે. તો હાલની પરિસ્થિતિ મુજબ જિલ્લાની શાળામાં 7810 શિક્ષકો જ ફરજ બજાવે છે, જે મુજબ જિલ્લામાં 1652 શિક્ષકોની ઘટ છે. - સંજય પરમાર (જિલ્લા શિક્ષણ અધિકારી)
494 પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી : હાલમાં જિલ્લાની પ્રાથમિક શાળાઓેના 494 જેટલા પ્રાથમિક વિભાગના શિક્ષકોને જિલ્લાની અંદર જ પસંદગીના તાલુકાની શાળાઓમાં બદલીના હુકમ કરવામાં આવ્યા છે. ઉપરાંત જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી પડેલી છે. તેના પર પસંદગીની નિમણૂક આપવા માટે આગામી સમયમાં બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. બે વિભાગમાં જિલ્લાની અંદર બદલી કરવામાં આવી છે. જેમાં ધોરણ 1થી 5ના 251 શિક્ષકો તો ધોરણ 6થી 8માં ગણિત વિજ્ઞાન વિષયના 89, ભાષાના 73 જેટલા શિક્ષકો તો સામાજિક વિજ્ઞાનના 81 પ્રાથમિક શિક્ષકો મળીને કુલ 494 જેટલા પ્રાથમિક શિક્ષકોની જિલ્લામાં જ આંતરિક બદલી કરવામાં આવી છે.
માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ઘટ : માધ્યમિક વિભાગની વાત કરવામાં આવે તો, કચ્છની શાળાઓમાં માધ્યમિક વિભાગમાં 630 શિક્ષકોનું મહેકમ છે. તો હાલમાં 394 જેટલા શિક્ષકો ફરજ બજાવે છે, જ્યારે 236 જેટલા શિક્ષકોની ઘટ છે. તો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રવાહમાં 326 શિક્ષકોનું મહેકમ છે, પરંતુ તેની સરખામણીએ 148 જેટલાં શિક્ષકો જ ફરજ બજાવે છે માટે 178 જેટલા શિક્ષકોની ઘટ છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહની વાત કરવામાં આવે તો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ 53 જેટલા શિક્ષકોનું મહેકમ છે. જેની સામે માત્ર 23 જેટલા શિક્ષકો જ ફરજ બજાવે છે, જ્યારે 30 જેટલી જગ્યાઓ ખાલી છે.
શિક્ષકોને જિલ્લા બહાર બદલીના હુકમ : હાલમાં જિલ્લામાં બદલી કેમ્પ અંતર્ગત કચ્છની સરકારી હાઈસ્કૂલોના 159 જેટલા શિક્ષકોને જિલ્લા બહાર બદલીના હુકમ થયા છે, જેમાં માધ્યમિક વિભાગના 98 અને ઉચ્ચ માધ્યમિક વિભાગના 61 શિક્ષકોનો સમાવેશ થાય છે. જોકે, 50 ટકા મહેકમ હોય તો છુટા નહીં કરવામાં આવે માટે 20 ટકા લેખે માત્ર 30 શિક્ષકોની જ બદલી શકાય બનશે. માટે હાલમાં માધ્યમિક વિભાગમાં 98માંથી 30 શિક્ષકોની બદલી કરાઈ છે, જ્યારે 68 શિક્ષકોની બાકી છે, તો ઉચ્ચ માધ્યમિક વિભાગમાં 61 શિક્ષકો પૈકી 15 શિક્ષકોની બદલી કરાઈ છે. જ્યારે 46 શિક્ષકોની બદલી બાકી છે. જેમને નવી ભરતી ન થાય ત્યાં સુધી ફરજ બજાવવાની રહેશે.
શિક્ષકોની બદલી જિલ્લા બહાર : જિલ્લામાં કુલ 300 જેટલા પ્રાથમિક વિભાગના શિક્ષકોની બદલી જિલ્લા બહાર કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નવી ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી નવી ભરતીની પ્રક્રિયા શરૂ ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની સૂચના મુજબ ભરતી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાના, માધ્યમિક શાળાના અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષક તરીકે જિલ્લા બહારના અન્ય સ્થળ પરના ઉમેદવારો અરજી કરે છે. અહીં કચ્છમાં નોકરી પણ મેળવી લે છે, પરંતુ, ત્યારબાદ તક મળે બદલી કરાવીને જિલ્લા બહાર ચાલ્યા જતા હોય છે. જેને કારણે કચ્છની શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે.
- Bhavnagar News : ભાવનગરમાં યોજાઇ એલિમેન્ટ્રી ડ્રોઇંગ પરીક્ષા, પ્રોત્સાહન મળે પણ આગળ જતાં રોજગારની મૂંઝવણનું શું?
- Surat Crime : આર એમ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીની આત્મહત્યા, શિક્ષક અને આચાર્ય સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
- Primary Teachers Transfer : નિયમ અનુસાર શિક્ષકોના બદલી કેમ્પ શરૂ, જો કોઈ શિક્ષકની બદલી ન થાય તો...