કચ્છ : જિલ્લાના છેવાડાના સૂકા મલક અને કેટલાક વિસ્તારોને બાદ કરતાં પાણીના સ્થાનિક સોર્સનો અભાવ છે. તેવા બન્ની વિસ્તારમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો નાગરિકો કરી રહ્યા છે. બન્ની વિસ્તારના લોકો ભર ઉનાળના તાપે પીવાના પાણી માટે તરસ્યા છે. તેમજ પશુઓ પણ અવાડામાંથી દૂષિત પાણી પી રહ્યા છે.
પાણીની સમસ્યા : બન્ની વિસ્તારની મહિલાઓ બેડાઓ લઈને દૂર દૂર સુધી પાણી માટે ભટકવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.બન્ની વિસ્તારના અમુક ગામડાઓમાં ખાસ કરીને વાંઢમાં તેમજ સરહદી વિસ્તારના ગામ નાના સરાડા ગામમાં હાલત બહુ ખરાબ છે. લોકો પીવાના પાણી માટે વલખાં ખાઈ રહ્યા છે. પાણી માટે લોકોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.
પશુઓ માટે ઘાસચારાની સમસ્યા : ઉનાળાની શરૂઆત સાથે જ સરહદી કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. ભુજ અને બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. તેમજ આસપાસના ગામમાં અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાય છે. તેમજ ગામલોકો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. ગામમાં લોકો પાણીની સમસ્યા સાથે પશુઓ માટે ઘાસચારાની સમસ્યા પણ સતાવી રહી છે.
4000 લોકોની વસ્તી 16,000 જેટલું પશુધન : સૂકા પ્રદેશ કચ્છમાં ઉનાળા દરમિયાન જિલ્લામાં પાણીનો પોકાર ઉઠે છે. હજુ ઉનાળાની શરૂઆત થઈ છે તેવામાં કચ્છના છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. પશુધન માટે બન્ની પંથકમાં અત્યારથી પાણીની સમસ્યા બની છે. નાના સરાડા ગામમાં 4000 લોકોની વસ્તી છે 16000 જેટલું પશુધન છે.
પશુ ગામનો મુખ્ય વ્યવસાય : ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. જેથી ગામમાં અત્યારથી પાણી અને ઘાસની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતીત બન્યા છે. સ્ત્રીઓ ગામના સીમાડે બનાવેલા કુવામાંથી દૂષિત પાણી ભરીને તરસ છીપાવી રહી છે. ધમધમતા આકાર તાપમાં મહિલાઓ પાણી માટે રઝળપાટ કરી રહી છે. તો પાણી ખૂબ દૂષિત મળી રહ્યું છે.
સૌથી મોટી સુવિધા જીવન જરૂરી પાણી : સરાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ફકીરમામદે જણાવ્યું હતું કે, જીવન જરૂરી પાણી પણ ન મળતું હોવાથી કેટલાક લોકોને હિજરત કરવાનો વારો પણ આવ્યો છે. સૌથી મોટી સુવિધા જીવન જરૂરી જળ હોવું જોઈએ પરંતુ અહીંના લોકોને પાણી મળતું નથી. આ વિસ્તાર ભૌગોલિક રીતે સૂકો મુલક છે, ત્યારે ઉનાળામાં તો સ્થિતિ અત્તિ બદતર થઈ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, બન્ની વિસ્તારના માલધારીઓને હિજરત કરવાની નોબત નહીં આવે પરંતુ અહીં નથી ઘાસચારો નથી. પાણી તો માટે હિજરત જ કરવી પડી રહી છે.
આ પણ વાંચો : Bhavnagar Rainfall: ફાગણ મહિનામાં ફોરા પડ્યા, ડુંગળીના પાક પર પાણી ફર્યું
ઘાસ અને પાણીની તાણ : વધુમાં જાણવા મળ્યું હતું કે, આ વિસ્તારમાં પશુ વસ્તીઓની સંખ્યા વધુ છે માનવ વસ્તી કરતા. ઉનાળામાં પાણી અને ઘાસની સમસ્યાના કારણે માલધારીઓને હિજરત કરવાની વારો આવે છે. ઉનાળાના પ્રારંભ સાથે જ આ વિસ્તારમાં ઘાસ અને પાણીની તાણ સર્જાય છે. જેને જોતા પાણીની સમસ્યા આગામી દિવસોમાં વિકટ બને તેવું અત્યારથી જ લાગી રહ્યું છે
આ પણ વાંચો : Navsari Water ATM: પીવાના પાણી માટે રૂપિયા 20 લાખ નાંખ્યા, એ પણ 'પાણીમાં'
લોકો પશુના અવાડામાંથી દૂષિત પાણી પી રહ્યા છે : અહીંના લોકો પશુઓને પોતાના ઘરનો હિસ્સો જ માને છે, ત્યારે પશુઓને દૂષિત પાણીથી રોગો થઈ રહ્યા છે. બીમાર પડીને અંતે મૃત્યુ પામી રહ્યા છે. લોકોને પશુના અવાડામાંથી દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે. ગામની મહિલાઓ જે અવાડામાંથી પશુઓ પાણી પીવે છે એ જ અવાડામાંથી મહિલાઓ પાણી ભરી રહી છે. લોકો સરકારની વિવિધ યોજનાઓની રાહ જોઈ રહ્યા છે. કલેકટરને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ પાણીની સમસ્યા દૂર થતી નથી તેમ સ્થાનિક રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું હતું.