કચ્છ: સામખીયાળી નજીક ચક્કાજામ અને પથ્થર મારાનો મામલે પોલીસ એક્શનમાં આવી છે. એસ.ટી બસ સહિત પોલીસ પર ટ્રક ચાલકોએ પથ્થરમારો કર્યો હતો. હવે પોલીસે 18 લોકો સહિત 100 થી વધુના ટોળા સામે ફરીયાદ નોંધી છે. આ ઉપરાંત પોલીસે 18 લોકોની અટકાયત કરી છે. સરકારી સંપતીને નુકશાન તથા રાયોટીંગ સહિતની કલમ હેઠળ ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
અવાર નવાર બનતા માર્ગ અકસ્માતોને લઈને કેન્દ્ર સરકારે ડ્રાયવર્સને કરવામાં આવતી સજાના નિયમો વધુ કડક બનાવ્યા છે. આ નિયમોના વિરોધમાં આજે કચ્છના સામખિયાળી ચેક પોસ્ટ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોમર્શિયલ વ્હીકલના ડ્રાયવર્સ મોટી સંખ્યામાં જોડાયા હતા. પથ્થરમારો થયો હોવાની પણ ઘટના ઘટી હતી જેમાં એક એસટી બસને નુકસાન થવા પામ્યું છે.
લાંબો ટ્રાફિક જામઃ કોમર્શિયલ વ્હીકલ ડ્રાયવર્સ દ્વારા ચેક પોસ્ટની બંને તરફ 'ચક્કા જામ' કરી દેવામાં આવ્યા હતા. આ ચક્કા જામ કાર્યક્રમને લીધે ચેક પોસ્ટની બંને તરફ લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ટ્રાફિક જામમાં કોમર્શિયલ વ્હીકલ્સ ઉપરાંત ખાનગી વ્હીકલ્સ અને સરકારી વ્હીકલ્સ પણ ફસાઈ ગયા હતા. આ ટ્રાફિક જામ એટલો વિકટ હતો કે તેને ક્લીયર કરાવવા ભચાઉ અને સામખિયાળી પોલીસે મથામણ કરવી પડી. પોલીસે ટ્રાફિક જામ ક્લીયર કરાવવાની શરુઆત કરાવતા પથ્થરબાજી પણ થઈ હતી. જેમાં એક એસટી બસને નુકસાન થયાનું સામે આવ્યું છે. ટ્રક ચાલકોએ પોતાના કોમર્શિયલ વ્હીકલના ચક્કા જામ ઉપરાંત માર્ગ પર લાકડાની આડાશો મુકીને પણ ટ્રાફિક જામ કર્યો હતો.
વિરોધનું કારણ: કેન્દ્ર સરકાર વારંવાર થતા માર્ગ અકસ્માતોમાં થતી સજાના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ સજા વધુ કડક બનાવામાં આવી છે. જેમાં અકસ્માત કરીને ફરાર થઈ જતા કોમર્શિયલ વ્હીકલ ડ્રાયવરને 10 વર્ષ સુધીની કેદ તેમજ 5થી 10 લાખ રુપિયા સુધીના દંડની જોગવાઈ છે. આ નિયમોનો વિરોધ ટ્રક ચાલકો કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં 500થી વધુ ટ્રક ચાલકો જોડાયા હતા. જેમાં છ માર્ગીય ધોરીમાર્ગ પર ચેક પોસ્ટની બંને તરફ સેંકડો વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.