કચ્છઃ હવે કચ્છના સફેદ રણમાંથી સોમનાથ મહાદેવના દર્શન કરી શકાશે. રણોત્સવમાં શરુ કરવામાં આવી છે 'પ્રભાસ તીર્થ મેં સોમનાથ' નામક ગેલરી. રણોત્સવના ટેન્ટસિટીમાં આ ગેલરીનો પ્રારંભ થયો છે. સોમનાથ મહાદેવના દર્શન કરાવતી આ ગેલરીનું ઉદ્દઘાટન કથાકાર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે.
ગેલરી ટિટ્સ બિટ્સઃ રણોત્સવમાં શરુ કરવામાં આવેલ 'પ્રભાસ તીર્થ મેં સોમનાથ' ગેલરીમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનો ઈતિહાસ, સોમનાથમાં વસેલી સનાતન સભ્યતા, વૈદિક આધારો સાથે કાલ ગણના, શ્રી કૃષ્ણ નિજધામ ગમન તીર્થ, મહાદેવ અને શ્રી કૃષ્ણ મંદિરોનો ઈતિહાસ, સરદાર વલ્લભભાઈએ સોમનાથનો પુનરોદ્ધાર શરુ કરાવ્યો તે ઐતિહાસિક ઘટના, સોમનાથ મંદિરની નિર્માણ ગાથા વગેરે વિષે રસપ્રદ અને રોચક માહિતી પૂરી પાડતા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોમનાથના સંકલ્પથી સિદ્ધિની સફર કાર્યક્રમ પણ સામેલ છે. ગેલરીના મુલાકાતીઓ માટે સોમનાથ મહાદેવના લાઈવ દર્શનની વિશિષ્ટ સગવડ કરવામાં આવી છે. મુલાકાતીઓને ચંદન તિલક, ભસ્મ પ્રસાદ, રુદ્રાક્ષ અને ઈ-સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો વધુમાં વધુ ફેલાવો થાય તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટનું પદાર્પણઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે. તેમના માર્ગદર્શન હેઠળ આ ટ્રસ્ટ દ્વારા અનેક લોકાભિમુખ કાર્યો કરવામાં આવ્યા છે. જેમાં 1400 સુવર્ણ કળશની સ્થાપના, દેશ વિદેશના શ્રદ્ધાળુઓને રહેવા જમવા માટેની શ્રેષ્ઠ સગવડ. વડીલ અને દિવ્યાંગ ભક્તો માટે ખાસ વ્યવસ્થાઓ. આ ઉપરાંત 11 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ, 5 બિલ્વ વન, સોમગંગાનું નિર્માણ, 10 કરોડથી વધુ સૂએજ વોટરનું રીસાયકલિંગ વગેરે મુખ્ય છે.