કચ્છ: અંજારમાં ભારે વરસાદનાં કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયુ છે, તો સાથે જ ઊંચાણ વાળા વિસ્તારમાં પણ પાણી ભરાયાં હોય લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો અંજારની સેશન્સ કોર્ટમાં પણ પાણી ઘૂસ્યા હતા. મોટી નાગલપુર ગામની બેંકોમાં તેમજ ત્યાંના આવાસોમાં પણ પાણી ઘૂસ્યા હતા. પ્રશાસન દ્વારા અમુક લોકોને સ્થળાંતરિત કરી સુરક્ષિત સ્થાને લઈ જવાયા છે, તો નીચાણ વાળા વિસ્તારો અને નદીનાં વહેણથી દુર સુરક્ષિત સ્થાનો પર રહેવા વહીવટી તંત્ર દ્વારા લોકોને સૂચના પણ આપવામાં આવી છે.
ગામમાં કમરડૂબ પાણી ભરાતા ઉહાપોહ: મોટી નાગલપુર ગામના સ્થાનિક રહેવાસી રોશન અલી સાંધાનીએ જણાવ્યું હતું કે," ગામમાં હાલમાં કમરડૂબ પાણી ભરાયાં છે, તો નીચાણવાળા વિસ્તારમાં તો ઠીક ઉંચાણ વાળા વિસ્તારમાં પણ પાણી ભરાયાં છે. નીચાણવાળા વિસ્તારમાં માણસો ડૂબી જાય એટલી હાલતમાં પાણી લોકોના ઘરમાં ઘૂસ્યું છે. વહીવટી તંત્ર અને પ્રસાશનને મદદ માટે અપીલ કરવામાં આવી રહી છે."
વહીવટીતંત્ર મદદે આવે તેવી અપીલ: "મોટી નાગલપુર ગમની પરિસ્થિતિ છે તે ગંભીર છે. નાના લોકો, મજૂર વર્ગના લોકોની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. તો તળાવનું પાણી પણ આવી રહ્યું છે. તેના કારણે અહીં પાણીની પરિસ્થતિ વણસી રહી છે. દિવસે આવી પરિસ્થતિ છે તો રાત્રે પરિસ્થતિ વધારે બગડશે. માટે વહીવટી તંત્ર દ્વારા મોટી નાગલપુર ગામમાં પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો રાહત સામગ્રી પણ પહોંચાડવામાં આવે. બોટ મારફતે વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને કાઢી શકાય તે માટે બોટની વ્યવસ્થા કરવામાં આવે. ટ્રેક્ટર પણ આ પાણીના વહેણમાં તણાઈ રહ્યા છે માટે તાત્કાલિક ગામના લોકોની મદદે આવવા અપીલ કરવામાં આવી રહી છે."