કચ્છ : ગાંધીધામમાં વર્ષ 2016 ના બહુચર્ચીત સચિન ધવન હત્યા કેસના આરોપીને અદાલત દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવી હતી. બાદમાં આરોપીએ હાઈકોર્ટમાં અદાલતના ચુકાદાને પડકારતી અરજી કરીને જામીન મેળવ્યા હતા. જોકે ત્યારબાદ પણ આરોપી કાયદા અને કોર્ટની શરતોનો ભંગ કરતો હોવાનું ધ્યાને આવતા કચ્છ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી. અંતે અદાલતમાં પુરાવા સાથે અરજી કરતા આરોપીને આપવામાં આવેલ જામીન હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી. હાલ કચ્છ પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાના આરોપીને આજીવન કેદ : આ અંગે મળતી વિગત અનુસાર ગાંધીધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2016 માં સચિન ધવન હત્યા કેસ મામલે મૂળ હરિયાણાના વતની અને ગાંધીધામના રહેવાસી સફરુદ્દીન અંસારીની અટકાયત કરવામાં આવી હતી. ગાંધીધામ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ IPC કલમ 302, 307, 120(બી), 34, 212 અને આર્મ્સ એક્સની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. હત્યાના કેસ પર અદાલતમાં સુનાવણી બાદ પુરાવા અને સાક્ષીના આધારે કોર્ટે દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
આરોપીએ મેળવ્યા જામીન : જોકે બાદમાં આરોપીએ અદાલતાના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારતા જામીન માટેની અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા આરોપીને શરતોને આધીન જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી કોર્ટની શરતોનો ભંગ કરતો હોવાનું ધ્યાને આવતા કચ્છ પોલીસના ઉપરી અધિકારીએ આરોપીના જામીન રદ કરવાનું સૂચન કર્યું હતું. જે અંતર્ગત અંજાર નાયબ પોલીસ અધિકક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા આરોપી વિરુદ્ધ શરત ભંગના જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.
કચ્છ પોલીસની કાર્યવાહી : ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા હાઈકોર્ટ સાથે જરૂરી પરામર્સ કરી આરોપી વિરુદ્ધ વિગતવાર સોગંદનામું તૈયાર કરી જામીનને રદ કરવા ફોજદારી અરજી કરી હતી. જેના અનુસંધાને હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરી કરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ દ્વારા કચ્છ પોલીસ તરફથી દસ્તાવેજી પુરાવા રજૂ કરતા હાઈકોર્ટ દ્વારા આરોપીને શરતોને આધીન મંજૂર કરવામાં આવેલ જામીન રદ કરવામાં આવી છે. ઉપરાંત હુકમનો અમલ કરાવવાનું સૂચન કરવામાં આવ્યું છે.
હત્યારાને જેલ ભેગો કર્યો : ઉલ્લેખનિય છે કે, હાલ આરોપી પાસા હેઠળ સાબરમતી જેલમાં કેદ છે. ત્યારે હાઈકોર્ટનો હુકમ મળતા કચ્છ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છ પોલીસે જાહેર જનતાને અપીલ કરી હતી કે, જો કોઈ વ્યક્તી ગુનેગાર સફરુદ્દીન અંસારીના ગુનાનો ભોગ બન્યા હોય તો તેના વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર ફરિયાદ નોંધાવી શકે છે.