ભુજ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગનું આજે એકત્રીકરણ યોજાયું હતું. ભુજના કચ્છી લેવા પટેલ સમાજ સરદાર પટેલ વિદ્યાલયમાં 10,000 જેટલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો જોડાયા હતાં. આ એકત્રીકરણમાં સ્વયંસેવકો દ્વારા સંઘની પ્રાર્થના, એકલ ગીત અને શૌર્ય ગીતનું ગાયન કરવામાં આવ્યું હતું.તો એક સાથે 10,000 જેટલા સ્વયંસેવકો દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યું હતું.કચ્છ વિભાગના આ એકત્રીકરણમાં રાપરના ત્રિકાળદાસ બાપુ, મુખ્ય વક્તા સહ- સરકાર્યવાહ અરુણ કુમાર,કચ્છ વિભાગના નવીન વ્યાસ, મહેશ ઓઝા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છના 850 ગામનું એકત્રીકરણ : આ એકત્રીકરણનો ઉદ્દેશ્ય સંઘ કામનો કાર્ય વિસ્તાર વિસ્તારવાનો છે તો કચ્છના ગ્રામ્ય વિસ્તારસુધી સંઘનું કામ પહોંચે તે રીતે સંઘના કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. તો શતાબ્દી વર્ષના લક્ષ્યાંક માટે પણ વિવિધ બેઠકો અને શિબિરો યોજવામાં આવી રહી છે. કચ્છના 850 ગામ સુધી પ્રવાસી કાર્યકર્તા દ્વારા પ્રવાસ કરી એકત્રીકરણ માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. તો કચ્છમાં 8000 નવા ગણવેશધારી સ્વયંસેવકો થયા હતાં. તો કચ્છના 23 ગામો એવા હતાં જેમાં 100થી વધુ લોકોએ ગણવેશ પૂર્ણ કર્યો હતો, તો 3 ગામોમાં 200થી ઉપર ગણવેશધારી સ્વયંસેવકો જોડાયા હતાં.
525 સ્થાનો પરથી 10,000 જેટલા સ્વયંસેવકો જોડાયા : કચ્છી લેવા પટેલ સમાજ સરદાર પટેલ વિદ્યાલય મધ્યે કચ્છના 10 તાલુકાના 22 તાલુકા એકમની ઉપસ્થિતિ હતી તો કચ્છના 8 નગર એકમોની ઉપસ્થિતિ હતી સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 109 ગ્રામીણ મંડળો માંથી 102 મંડળોની ઉપસ્થિતિ આ એકત્રીકરણમાં હોવા મળી હતી. કચ્છના 525 સ્થાનો પરથી 10,000 જેટલા સ્વયંસેવકો કચ્છ વિભાગના એકત્રીકરણમાં જોડાયા હતા. કચ્છના દરેક સ્વયંસેવકના સામૂહિક પ્રયાસ થકી એકત્રીકરણ માટે મહતમ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય અને વ્યસનમુક્ત રહેવા અનુરોધ : રાષ્ટ્ર ઉત્થાનના કાર્ય માટે સંઘ વર્ષોથી કામ કરતું આવ્યું છે.તો કચ્છ વિભાગના એકત્રીકરણમાં 91 વર્ષના સ્વયંસેવક પણ ઉપસ્થિત રહ્યા હતા. એકત્રીકરણમાં પ્રેરક ઉદ્બોધનમાં સ્વયંસેવકોને મારો પૈસો મારા જ દેશમાં રહે તે રીતે સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપવા અનુરોધ કરવામાં આવ્યું હતું તો વ્યસન મુક્ત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. વર્ષ 2025 ને ધ્યાનમાં રાખીને તમામ કાર્યકર્તાઓ સંઘના પંથ પર આગળ ચાલી રહ્યા છે.
સંઘ માટે લોકોનું અનુદાન : કચ્છમાં વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપની વાત કરીને સંઘના કાર્યકર્તા દ્વારા તેમજ કચ્છની પ્રજાની ખમીર અંગે વાત કરવમાં આવી હતી. કચ્છનો દરેક વ્યક્તિ ઉદ્યમી છે તેમજ કચ્છના દરેક સમાજના લોકો દરેક કામોમાં સહયોગ કરતા આવ્યા છે અને કચ્છના લોકોનો સંઘ પ્રત્યે અનેરું અનુદાન રહ્યું છે તેવી વાત મુખ્ય વક્તા અને સહ સરકાર્યવાહ અરુણ કુમારે કરી હતી.
સંઘના વડા ડો. મોહન ભાગવત કચ્છના પ્રવાસે : ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવત પણ કચ્છના પ્રવાસે છે અને આવતીકાલે સંભવતઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કચ્છ આવશે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શિબિરમાં જોડાશે. તારીખ 5મી નવેમ્બરથી 7મી નવેમ્બર સુધી મોહન ભાગવતની અધ્યક્ષતામાં ભુજના સરદાર પટેલ વિદ્યાસંકુલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની કાર્યકારી મંડળની બેઠક યોજાશે.