કચ્છ : આજકાલ લગ્ન સમયે પ્રિ વેડિંગથી લઈને રિસેપ્શન સુધી અવનવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે. લગ્નની ધામધૂમ અને શોભા વધારવા લોકો પૈસાનો ધુમાડો કરતા હોય છે ત્યારે કચ્છના સુખપર ગામમાં યોજાયેલા નિશા મેપાણીના લગ્ન સાચે જ દાખલારુપ કહી શકાય. ગૌપ્રેમી યુવતી દ્વારા ગૌમહિમા દર્શાવતું અને ગ્રામીણ સંસ્કૃતિનું મહત્વ દર્શાવતું અનોખું ઉદાહરણ તેણે પોતાના લગ્ન દરમિયાન જ પૂરું પાડ્યું છે.
નિશા મેપાણીનો ગૌપ્રેમ : સુખપરની યુવતી નિશા મેપાણી આજકાલ સમાચારોમાં તેના ગોબરપ્રેમના લીધે છવાઇ ગઇ છે. નિશા મેપાણી સુખપરમાં રહે છે અને તેના લગ્ન લેવાયાં ત્યારે અનોખી શોભા વધારવાના પ્રયત્નમાં તેને સહેલીના લગ્નમાં અનુભવેલી ઊર્જાનો અનુભવ યાદ આવ્યો. આ સાથે તેણે નક્કી કર્યું કે તે પોતાના લગ્નમાં લગ્નની કંકોત્રીથી માંડીને લગ્નનો મંડપ સુધી તમામ સુશોભનની વસ્તુઓ ગાયના ગોબર વડે તૈયાર કરશે. આમાં વિશેષ વાત એ છે કે બધું જ તેણે પોતે, તેની માતા અને સહેલીઓની મદદથી બનાવ્યું છે.
આ પણ વાંચો
|
તમામ વસ્તુઓ ગોબરથી લીંપી બનાવી : આજના આ આધુનિક અને દેખાદેખીના યુગમાં લોકો લગ્નમાં આલીશાન મોંઘા ડેકોરેશનનો ખર્ચો કરતા હોય છે અને દેખાવા માટે ટ્રેન્ડનો અમલ કરતા હોય છે ત્યારે કચ્છના સુખપર ગામમાં લગ્ન સમયે ગ્રામીણ સંસ્કૃતિનો અદભુત નજારો જોવા મળ્યો હતો. સુખપર ગામની ખેડૂત પુત્રીએ પોતાના હાથે જ પોતાના લગ્નમંડપ, કંકોત્રી, દીવાલો,મંડપ સ્તંભ અને સુશોભનની વસ્તુઓ ગાયના ગોબર વડે લીંપણ કરીને તૈયાર કર્યું હતું.સુખપરના ખેડૂત રવજી મેપાણીના પુત્રી નિશાએ પોતાની માતા અને સહેલીઓની સાથે મળીને પોતાના લગ્નની આમંત્રણ પત્રિકા ગોબરથી બનાવ્યા બાદ 20 દિવસના સમયમાં લગ્નનો મંડપ સંપૂર્ણપણે ગોબરના લીંપણ તૈયાર કર્યો હતો જેમાં ગૌપ્રેમ દર્શાઈ રહ્યો છે.
100 કિલો ગોબરનો ઉપયોગ : લગ્નના દિવસ માટે લગ્નની ચોરી સહિત ઘણી વસ્તુઓ ગોબરમાંથી તૈયાર કરીને ગાયનો મહિમા કરનાર ખેડૂત પરિવારના મોભી રવજી મેપાણીએ જણાવ્યું હતું કે, તેમના પુત્રી નિશાના લગ્ન નજીક આવતા દીકરીએ પોતાના લગ્નમાં મહેમાનોમાં ગાયનું મહિમા વધારવા કંઇક પ્રયાસ કરવાની ઈચ્છા દર્શાવી હતી. પોતાના લગ્ન મંડપને ગોબર વડે લીંપણ કરવાની ઈચ્છા સાથે જ લગ્નના એક મહિના પહેલાથી જ ગોબર વડે તોરણો, કંકોત્રી, લગ્નમંડપ બનાવવાનું શરૂ કર્યું હતું. ગાયનાં ગોબરમાંથી અનેક સકારાત્મકતા પ્રાપ્ત થતી હોવાનું પણ જણાવ્યું હતું. આજે લોકો લગ્નપ્રસંગે લાખો કરોડો રૂપિયા ખર્ચીને સુશોભન કરાવતા હોય છે ત્યારે 100 કિલો ગોબરના લીંપણમાંથી તૈયાર થયેલ લગ્ન મંડપ અન્ય માટે પણ પ્રેરણારૂપ બનશે તેવી આશા ખેડૂત રવજીભાઈએ વ્યક્ત કરી હતી.
કંતાન પર લીંપણ : નિશાએ પોતાના જીવનના સૌથી મહત્વપૂર્ણ એવા લગ્નના દિવસે ગોબરમાંથી લગ્ન મંડપ તૈયાર કરીને ગાયનો મહિમા વર્ણવ્યો હતો. લગ્ન મંડપમાં પાછળની દિવાલમાં કંતાન ઉપર ગોબરનું લીંપણ કરીને દીવાલો ઊભી કરવામાં આવી હતી જેમાં 50 × 15 ફૂટનો પડદો બનાવવામાં આવ્યો હતો. ખેડૂતપુત્રી નિશાને પોતાની સહેલીનાં લગ્નમાં ગોબરથી બનાવેલી વસ્તુઓની ઊર્જાનો અનુભવ મેળવ્યા બાદ મળી પ્રેરણા મળી હતી.
ગાય આધારિત ઉત્પાદનો બનાવવાની તાલીમ : નિશાએ આ ગોબરના લગ્ન મંડપ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેણે કચ્છની નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્રમાંથી ગાય આધારિત ઉત્પાદનો બનાવવાની તાલીમ મેળવી હતી અને લાંબા સમયથી ગોબર ક્રાફટ વડે તોરણો, સુશોભનની વિવિધ વસ્તુઓ બનાવે છે. પોતાની સહેલીના લગ્નમાં તેણે એક વખત ગોબરના લીંપણમાંથી મળતી ઊર્જાનો અહેસાસ કર્યો હતો અને હવે પોતાના લગ્નમાં પણ ગાય અને ગોબરને એક મહત્વનું સ્થાન આપીને ગોબરમાંથી લગ્નમાં તમામ વસ્તુઓ તૈયાર કરી હતી. આ રીતે દેશી ગાયનો મહિમા વધારવાનો તેનો હેતુ છે.