કચ્છ : કચ્છમાં 51 વર્ષીય દર્દીનું કોંગોથી મોત થયું છે. અંજારના લાખાપર ગામના 51 વર્ષીય પશુપાલકનું કોંગોથી અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મોત બાદ 13 જેટલા પરિવારજનોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતાં અને જેને સેમ્પલ લઇ ગેઇમ્સની લેબોરેટરીમાં મોકલવાયા હતાં જે નેગેટિવ આવ્યા હતાં. તો આ અંગે અમદાવાદથી મેડિસીન વિભાગના પ્રોફેસરે ભુજમાં આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ સાથે બેઠક યોજી હતી.
18મી જૂને અંજાર તાલુકાના લાખાપર ગામના 51 વર્ષીય અરજણભાઈ ચાડને ચાંદરાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે શંકાસ્પદ કોંગોનો કેસ શોધ્યો હતો. કચ્છમાં કોંગો તાવ એટલે કે ક્રેમિયન કોન્ગો હેમરેજિક ફીવરનો કેસ નીકળતાં આરોગ્ય તંત્ર અને પશુપાલન વિભાગ દોડતું થયું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરી પ્રાથમિક સારવાર પૂરી પાડ્યા બાદ આ દર્દીને અંજારની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર આપવામાં આવી હતી...ડો. જિતેશ ખોરસિયા(કચ્છ જિલ્લા પંચાયતના રોગચાળા નિયંત્રણ અધિકારી)
13 સગાંસંબંધીના સેમ્પલ નેગેટિવ : પશુપાલકને અંજારની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ દર્દીને 26મી જૂનના અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઇ જવાયા હતાં. જ્યાં લો બ્લડ પ્રેશરના કારણે તેમનું મોત થયું હતું. મૃત્યુ બાદ અરજણ ચાડના નજીકના 13 જેટલા સગાસંબંધીના સિરમ સેમ્પલ લઇ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ગેઇમ્સની લેબોરેટરીમાં મોકલવાયા હતાં જે નેગેટિવ આવ્યાં હતાં.
કોંગો તાવના લક્ષણો : કોંગો તાવના લક્ષણો અંગે વાત કરતા ડૉ.જીતેશ ખોરસિયાએ જણાવ્યું હતું કે,"આ રોગ પશુઓમાં જોવા મળતી ઇતરડીના કારણે થયા છે અને રોગમાં સખત તાવ આવે છે અને સંડાસમાં ખૂબ જ લોહી પડે છે. ઉપરાંત શરીરની આખી ચામડી ખોટી પડી જાય છે. જો કોઈ પણ પશુપાલકોને આવા લક્ષણો જણાય તો તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર લેવી તેમજ કચ્છ જિલ્લા પંચાયત કે આરોગ્ય કેન્દ્રનું સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
પશુપાલન અને આરોગ્ય વિભાગની બેઠક : ઉલ્લેખનીય છે કે કોંગો તાવનો કેસ નીકળતાં અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજના મેડિસીન વિભાગના પ્રોફેસર ડો. કમલેશ ઉપાધ્યાય દ્વારા કલેકટર કચેરી ખાતે કચ્છ કલેક્ટર અમિત અરોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. આર. ફૂલમાલી, ઇએમઓ ડો.જીતેશ ખોરસિયા, ડો. અમિત અરોરા, અંજારના તાલુકા આરોગ્ય અધિકારી ડો. અંજારિયા સહિત નવ જેટલા ટીએચઓ, ક્યુએમઓ, ડો. અમિન અરોરા, નાયબ પશુપાલન નિયામક ડો. હરેશ ઠક્કર, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. પવન મકરાણી વગેરે સાથે બેઠક યોજી હતી.
ઇતરડીનાશક દવાના સ્પ્રેથી છંટકાવની કામગીરી હાથ ધરાઈ : આ ઉપરાંત જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અંજારના લાખાપર અને આજુબાજુના ગામમાં ઇતરડીના કરડવાથી અથવા અન્ય વ્યક્તિમાંથી ચેપ દ્વારા કોંગો ફેલાતો હોવાથી ગૌશાળા, પાંજરાપોળ અને ખાનગી માલિકીના પશુઓ ઉપર ઇતરડીનાશક દવાના સ્પ્રેથી છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે.