કચ્છ : ભુજના હમીરસર તળાવની વચ્ચે આવેલા રાજેન્દ્ર બાગના પગથિયાં પાસેથી આજે સવારના સમયે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પાણીની સપાટી પર તરતી હાલતમાં જોવા મળેલા મૃતેદેહ અંગે જાગૃત નાગરિક દ્વારા ભુજ કન્ટ્રોલ રૂમમાં જાણ કરાતા ભુજ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. જે બાદ ભુજ એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ફાયર વિભાગને જાગૃત નાગરિકે જાણ કરી : જાગૃત નાગરિક દ્વારા ભુજ કન્ટ્રોલ રૂમમાં જાણ કરાયાં બાદ કંટ્રોલરુમ દ્વારા ફાયર વિભાગ ટીમને જાણ કરવામાં આવી હતી. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગ ટીમના લોકો દ્વારા હમીરસર તળાવની વચ્ચે આવેલા રાજેન્દ્ર બાગના પગથિયાં પાસેથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી કિનારે લાવવામાં આવ્યો હતો. જ્યારે ફાયર વિભાગ દ્વારા ભુજ પોલીસને જાણ કરવામાં આવતા ભુજ એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હમીરસર તળાવમાંથી કોહવાયેલી હાલતમાં કોઇ અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે, મૃતદેહને હાલમાં પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના આત્મહત્યાની છે કે અકસ્માત થયો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરાઇ છે...રણછોડભાઈ (PSO, એ ડિવિઝન પોલીસ સ્ટેશન)
કોહવાયેલી હાલતમાં મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયો : ફાયર ઓફિસર સચિન પરમારે જણાવ્યું હતુંં કે," આજે સવારના ભાગમાં કંટ્રોલ રૂમમાંથી ફાયર બ્રિગેડને કોલ આવતા જણાવવામાં આવ્યું હતું કે રાજેન્દ્ર બાગમા અજાણી વ્યક્તિની ડેડ બોડી મળી આવી છે ત્યારે ભુજ ફાયર બ્રિગેડ દ્વારા સવારના હમીરસર તળાવ પાસેના રાજેન્દ્ર બાગ ખાતે તત્કાલિક પહોંચીને ડેડ બોડીને બહાર કાઢવામાં આવી હતી."