કચ્છ : ચક્રવાત બિપરજોયના કારણે કચ્છમાં ખેતી તેમજ બાગાયતી પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે માંડવી તાલુકાના વિરાણી ગામના ખેડૂતને વાવાઝોડાના કારણે તેના આંબાના પાકમાં થયેલી નુકસાનના કારણે આઘાત લાગ્યો છે. તે પોતાની વ્યથા વ્યક્ત કરી આક્રોશ કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવવાનો સમય : વાવાઝોડાના કારણે સરકારી આંકડા મુજબ જિલ્લામાં 33,000 હેક્ટરમાં બાગાયતી પાકોમાં નુકસાન થયેલું છે, ત્યારે આ વર્ષે માંડવી અને મુન્દ્રા તાલુકાના ખેડૂતોના બાગાયતી પાકોનો સોથ વળી ગયો છે. 25થી 30 વર્ષ જૂના ખારેક અને આંબાના પાકમાં નુકસાની થઈ છે અને વૃક્ષો જમીન દોસ્ત થયા છે, ત્યારે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવવાનો સમય આવ્યો છે.
ખેડૂત આઘાતમાં : કેરીના ઉત્પાદન માટે હબ ગણાતું ગઢશીશા વિસ્તારમાં આંબાના પાકને નુકસાનની થતાં ખેડૂતની હાલત કફોડી છે અને વાવાઝોડાના કારણે આંબાનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને હાલાકી થઈ છે, ત્યારે ખેડૂતના આંબાના પાકને વાવાઝોડામાં અસર થતાં વિરાણી વિસ્તારના ખેડૂતે માનસિક સંતુલન ખોયું છે અને પોતાના આંબાના નુકસાન ગયેલી પાક પર પોતાનો આક્રોશ ઠાલવી રહ્યો છે અને કુદરતને કોસી રહ્યો છે. ઉપરાંત હવે દવા પીને મરી જાઉં કે ફાંસી ખાઈને મરી જાઉં તેવી વાત વાયરલ થઈ રહેલા વીડિયોમાં કરી રહ્યો છે.
આંબાનો પાક માથે પછાડ્યો આક્રોશ : પોતાનો આંબાનો પાક વાવાઝોડામાં નષ્ટ થઈ જતાં ખેડૂત બગડી ગયેલા પાક પર બેસીને આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે તો હવે કોઈએ આ વિસ્તારમાં આંબાનો પાક લેવો નહીં અને વેપાર કરવો નહીં તેની વાત કરી રહ્યો છે. તો પોતાના માથા પર બગડેલા આંબાનો પાક પછાડીને પોતાના પર આવી પડેલ આફતનો ગુસ્સો દર્શાવી રહ્યો છે. તો હવે આ નુકસાની કંઈ રીતે વેઠવી અને કંઈ રીતે પૈસા ભેગા કરવા તે અંગે વાત કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો તો ખેડૂતને પોતાના આંબાના પાકમાં થયેલી નુકસાનીનો આઘાત જોઈને લોકોમાં પણ તેની ચર્ચા થઈ રહી છે. જોકે આ વીડિયોની પુષ્ટિ ETV Bharat કરતું નથી.