દુષ્કાળનો એક વર્ષ તો પશુપાલકોએ સંસ્થા અને સરકારની મદદથી પસાર કર્યો, પરંતુ ચાલુ વર્ષ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યાં કચ્છમાં વરસાદ ખેંચાયો છે તેને લઇને ખેડૂતો પશુપાલકોની ચિંતા વધી છે. ભૂજમાં હોલસેલ વેપાર કરતા વેપારીઓને જ્યારે ભાવ વધારો અંગે પૂછાયું ત્યારે તેઓએ કડપ અને રંજકા(લીલાચારા)માં 70થી 80 રૂપિયાનો વધારો નોંધાયો છે. જે ચારો અને કડપ 90 રૂપીયા મણ હતો તે આજે 165 રૂપિયા પહોંચ્યો છે.
કચ્છમાં ગત વર્ષ ઓછા વરસાદ અને ચાલુ વર્ષની આશાએ લીલાચારાનું વાવેતર ખેડૂતોએ ઓછું કર્યું હતું. તેથી કચ્છમાં ગૌશાળાઓ અને ઢોરવાડો ચલાવતા પશુપાલકોના મતે માત્ર15 દિવસ સુધી ચાલે તેટલો ચારો છે. અને તેમાં પણ ભાવ આસમાને છે. 15 દિવસ બાદ પૈસા દેતા પણ પશુપાલકોને ચારો નહી મળે સુકા ઘાસથી દુઘ ઉત્પાદન ઓછું થશે ,તેવામાં વરસાદ પડે એવી પ્રાર્થના ખેડૂતો પશુપાલકો અને કચ્છીજનો કરી રહ્યા છે.
કચ્છમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. પરંતુ ત્રણ વર્ષથી અનિયમિત વરસાદ અને ગત વર્ષે અછતની સ્થિતિ ઊભી થઇ હતી. વરસાદની રાહે કચ્છીઓએ મુશ્કેલી વચ્ચે ખેતી-પશુઓને બચાવ્યા પરંતુ હવે જો વરસાદ નહી પડે તો લીલાચારાના દુકાળ સાથે કચ્છમાં ગંભીર સ્થિતિનું નિમાર્ણ થશે.