કચ્છઃ સંયુક્ત રાષ્ટ્રસંઘ UNESCO દ્વારા 2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને 16મી જાન્યુઆરીએ કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ઊંટ મહોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું છે. ઊંટ માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રાનું ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર કચ્છમાંથી 350 જેટલા ઊંટ માલધારીઓ ભાગ લેશે. આ મહોત્સવમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રાઃ ભુજમાં યોજાનારા ઊંટ મહોત્સવ-2024 કાર્યક્રમમાં માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રા યોજાશે. જેમાં ઊંટ સાથે સંકળાયેલા સમુદાયોની જીવનશૈલી, સંસ્કૃતિ, હસ્તકળા, ગીત-સંગીત, ઊંટ ઉછેર પદ્ધતિ, કેમલ મિલ્ક ડેરી, કેમલ પ્રોડક્ટ જેવી બાબતો પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શન યાત્રામાં અનેક ઊંટગાડીઓ પર એક્ઝિબિશન ટેબ્લો તૈયાર કરીને ભુજના જાહેર માર્ગો પર ફેરવવામાં આવશે.
વાર્ષિક 9 કરોડનું ચુકવણુંઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં સરહદ ડેરીને ઊંટ ઉછેરકોના સમૃદ્ધિ માટે સૂચન કર્યા હતા. સરહદ ડેરીએ કેમલ મિલ્કનુ કલેક્શન શરૂ કર્યું હતું. શરૂઆતમાં 1 લીટર દૂધના 20 રૂપિયા ભાવ હતા. જે આજે વધીને 50 રૂપિયા જેટલો ભાવ માલધારીઓને મળી રહ્યો છે. ઊંટ ઉછેરક માલધારીઓ 300થી 400 ડેરીઓ સાથે સંકળાયેલા છે. સરહદ ડેરી દ્વારા આજની તારીખે દરરોજ ઊંટ માલિકોને 1.5 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે. જે વાર્ષિક 9 કરોડ રૂપિયા જેટલું થવાનું થાય છે. કચ્છના ઊંટના દૂધનો પ્લાન્ટ સમગ્ર ભારતમાં એક જ છે.
માલધારીઓનું જીવન ઊંચું આવ્યુંઃ છેલ્લા એક દાયકામાં રાજ્ય સરકારની મદદથી કચ્છમાં ઊંટ ઉછેર ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામગીરી થઈ છે. રાજ્ય સરકારની નાણાકીય મદદથી કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની પણ રચના કરવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્વારા નિયમિત કેમલ હેલ્થ કેમ્પ, ખારાઈ ઊંટની માન્યતા તેમજ દેશની સૌપ્રથમ કેમલ મિલ્ક ડેરી કચ્છમાં શરૂ કરવામાં આવી છે. જેના કારણે ઊંટ ઉછેરક માલધારીઓનું જીવનધોરણ ઊંચું આવ્યું છે અને સમગ્ર દેશમાં ઊંટની સંખ્યા ઘટી રહી છે, ત્યારે કચ્છમાં ઊંટની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. માલધારીઓની સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક પરિસ્થતિ ખૂબ સુધરી છે જેના પરિણામે માલધારીઓની હિજરત પણ અટકી છે અને હવે પોતાના ગામમાં જ રહે છે. જે ઊંટની કિંમત 10000થી 15000 હતી તે વધીને 30,000થી 40,000 જેટલી થઈ ગઈ છે. માલધારીઓના 200 જેટલા યુવકો ડ્રાઈવર તરીકે રોજગાર રળતા હતા. તેઓ ગામમાં પરત ફર્યા છે અને ઊંટની ખરીદી કરીને પશુપાલન તરફ વળ્યા છે. અગાઉ જે પશુપાલકો ઊંટ વેચી દેતા હતા તેઓ હવે ઊંટ ખરીદતા થયા છે.
ઊંટ મહોત્સવ-2024માં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં સરહદ ડેરીને ઊંટ ઉછેરકોના સમૃદ્ધિ માટે સૂચન કર્યા હતા. માલધારીઓના 200 જેટલા યુવકો ડ્રાઈવર તરીકે રોજગાર રળતા હતા. તેઓ ગામમાં પરત ફર્યા છે અને ઊંટની ખરીદી કરીને પશુપાલન તરફ વળ્યા છે. અગાઉ જે પશુપાલકો ઊંટ વેચી દેતા હતા તેઓ હવે ઊંટ ખરીદતા થયા છે. કચ્છમાં ઊંટ પશુપાલકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે...વલ્લમજી હુંબલ(ચેરમેન, સરહદ ડેરી, કચ્છ)
મહાનુભાવો રહેશે હાજરઃ ઊંટ મહોત્સવ-2024માં ઊંટગાડીની શોભાયાત્રા કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા દ્વારા ફ્લેગ ઓફ કરાશે. આ કાર્યક્રમમાં કચ્છ-મોરબી સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા પ્રમુખ જનકાસિંહ જાડેજા, કલેક્ટર અમિત અરોરા તેમજ કચ્છ જિલ્લાના ધારાસભ્યો, પશુપાલન વિભાગ કચ્છ, સરહદ ડેરી, વિવિધ સંસ્થાઓ તેમજ માલધારી સંગઠનો તથા સૌરાષ્ટ્ર, ગુજરાતના ઊંટ માલધારી સમાજ સાથે જોડાઈને તેમની સંસ્કૃતિ, પરંપરા અને કચ્છ ઊંટ મહોત્સવની ઉજવણી કરશે.