- મોટાભાગની બેઠકમાં નવા ઉમેદવારોને તક આપવામાં આવી
- પાલિકા બેઠકમાં મોટા પાયે ફેરફાર જોવા મળ્યા
- તાલુકા પંચાયતમાંથી રોટેશન ચેન્જ થતાં જિલ્લા પંચાયતમાં ટિકિટ અપાઈ
કચ્છ: જિલ્લા પંચાયતની 40, 10 તાલુકા પંચાયતની 204 અને 5 નગરપાલિકાના 196 મળી કુલ ભાજપે 440 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. જેમાં મોટાભાગની બેઠકમાં નવા ઉમેદવારોને તક આપવામાં આવી છે. જિલ્લા પંચાયતની 40 બેઠકોમાંથી એક માત્ર હરિ હીરા જાટિયાને રિપીટ કરાયા છે. જ્યારે પૂર્વ સદસ્ય છાયાબેન ગઢવીના પુત્રને ટિકિટ અપાઈ છે.
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોના રોટેશન ચેન્જ થતા ફેરફાર થયો
ભુજ અંજાર ગાંધીધામ અને માંડવી નગરપાલિકાના 196 દાવેદારો માંથી માત્ર 44 લોકોને રિપીટ કરાયા છે તો તાલુકા પંચાયતની 204 બેઠકોમાં 15 લોકોને રિપીટ ટિકિટ મળી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોના રોટેશન ચેન્જ થતા ફેરફાર થયો છે, પરંતુ પાલિકા બેઠકમાં મોટા પાયે ફેરફાર જોવા મળ્યા છે. જોકે, ઘણા લોકોને તાલુકા પંચાયતમાંથી રોટેશન ચેન્જ થતાં જિલ્લા પંચાયતમાં ટિકિટ અપાઈ છે. પાલિકામાં પણ ઘણા જુના સભ્યોના પરિવારને પ્રતિનિધિત્વ મળ્યું છે.
બેઠકો માં ઘણા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા
ભુજ તાલુકા પંચાયતની 31 બેઠકોમાં 2 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હતા. નખત્રાણા તાલુકા પંચાયતની 20 બેઠકોમાં એક ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે. અબડાસા તાલુકા પંચાયતની 18 બેઠકોમાં 2 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હતા. ગાંધીધામ તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી એકને રિપીટ કરવામાં આવ્યા હતા. ભચાઉ તાલુકા પંચાયતની 20 બેઠકોમાં 2 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હતા. રાપર તાલુકા પંચાયતની 24 બેઠકોમાં 2 ઉમેદવાર રિપીટ કરવામાં આવ્યા હતા. માંડવી તાલુકા પંચાયતની 20 બેઠકમાંથી ત્રણ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હતા.
અંજાર તાલુકા પંચાયતમાં કોઈપણ ઉમેદવાર રિપીટ કરવામાં આવ્યો નથી
અંજાર તાલુકા પંચાયતમાં કોઈપણ ઉમેદવાર રિપીટ કરવામાં આવ્યો નથી. લખપત તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી એક ઉમેદવારને ફરી ટિકિટ અપાઈ હતી. મુન્દ્રા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી એક ઉમેદવાર રિપીટ કરવામાં આવ્યો હતો. ભુજ નગરપાલિકાની 44 બેઠકોમાંથી 7 લોકોને રિપીટ કરવામાં આવ્યા હતા. ગાંધીધામ નગરપાલિકામાં 52 બેઠકો છે. જેમાંથી 17 લોકોને રિપીટ કરવામાં આવ્યા હતા. અંજાર નગરપાલિકાની 36 બેઠકોમાંથી 15 લોકોને ફરી ટિકિટ મળી હતી. માંડવી નગરપાલિકાની 36 બેઠકોમાંથી પાંચ લોકોને રિપીટ કરવામાં આવ્યા હતા.