ભુજઃ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા રુ. 3.75 કરોડના સોપારી તોડકાંડમાં નવો વળાંક આવ્યો છે. આ સોપારી તોડકાંડમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે જે વ્યક્તિએ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી હતી તેના સહિત 6 જણ વિરુદ્ધ સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ અંજારના નાયબ પોલીસ અધિક્ષકે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર ઘટનાક્રમઃ ગઈકાલ મોડી રાત્રે મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે અંજારના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ પોપટલાલ ચૌધરીએ એક ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ છ આરોપીઓ વિરોધ નોંધાવી છે જે પૈકી એક આરોપી અનિલ પંડિતે અગાઉ ACBમાં ફરિયાદ નોંધાવી હતી. જે છ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે તેમાંથી એક મુંબઈની મહિલા પણ છે. આ આરોપીઓએ વિદેશથી આયાત કરેલ સોપારી વેચવા માટે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. તે ઉપરાંત મોહિત એન્ટરપ્રાઈઝ નામની એક ખોટી કંપની સ્થાપી હતી. આ આરોપીઓએ સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા માટે આયોજનપૂર્વક ષડયંત્ર રચ્યું હતું. બહુચર્ચિત આ સોપારી તોડકાંડમાં અત્યાર સુધી કુલ બેની ધરપકડ થઈ ચૂકી છે.
મોડસ ઓપરન્ડીઃ આરોપીઓ અનિલ તરુણ પંડિત, દિનેશ માસ્ટર, સુરેખા શેઢની ફોરફોક્સ લોજિસ્ટિક પ્રા. લિ. પેઢી ચલાવે છે. જેમણે બિલ વગર સોપારીના માલનો સંગ્રહ કર્યો અને દર્શાવ્યું કે આરોપી મોહિત પ્રદીપ માખીજીની મોહિત એન્ટરપ્રાઈઝને વેચી હતી. આ કંપનીનો વહીવટ આરોપીઓ મેહુલ ભદ્રા અને હિમાંશું ભદ્રા કરતા હતા. આ તમામ આરોપીઓ મુંબઈ અને નાગપુરના રહેવાસી છે.
આરોપી વિરુદ્ધ કેસઃ જેમની સામે નાયબ પોલીસ અધિક્ષકે કેસ દાખલ કર્યો છે તે છ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 420, 465,463, 468, 471 તથા 127(બી) હેઠળ સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધાયો છે. મુન્દ્રા પોલીસે આ ગુનો નોંધીને તમામ આરોપીઓની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.