કચ્છઃ જિલ્લામાં વસતા ખેડૂતો અને પશુપાલકોને નર્મદાનું નીર દોહ્યલુ થઈ રહ્યું છે. દુધઈ સબ બ્રાન્ચ કેનાલ સત્વરે કાર્યરત થાય તો સરહદી વિસ્તારના 15 ગામોના નાગરિકોને રાહત થાય તેવું છે. આ કેનાલની કુલ લંબાઈ 68 કિલોમીટર છે જેમાંથી માત્ર 23 કિલોમીટરના કામો પૂર્ણ થયા છે. જ્યારે બાકીના 45 કિલોમીટરના કામો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. ભારતીય કિસાન સંઘે હવે આ કેનાલના નિર્માણકાર્યને સત્વરે પૂર્ણ કરવા રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું છે.
ભારતીય કિસાન સંઘની આકરાપાણીએઃ ભારતીય કિસાન સંઘે કેનાલ સત્વરે પૂર્ણ કરવા અનેક રજૂઆતો કરી છે. ભારતીય કિસાન સંઘે સાંસદ, ધારાસભ્ય અને અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. હવે ભારતીય કિસાન સંઘ આકરાપાણીએ થયો છે. સંઘે સરકારને દસ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો દુધઈ સબ બ્રાન્ચ કેનલનું કાર્ય સત્વરે પૂર્ણ નહીં થાય તો ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે.
દુધઇ સબ બ્રાન્ચ કેનાલ 68 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે તેમાંથી 23 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે 45 કિલોમીટરનું કામ બાકી છે. જેને લઈને સરહદી વિસ્તારના 15 જેટલા ગામોને અસર થઈ રહી છે. આ વિસ્તારમાં માલધારીઓ, પશુપાલકો અને ખેડૂતો રહે છે તેમને પાણીની સમસ્યા ન થાય તે માટે રાજ્ય સરકાર સત્વરે કેનાલ પૂર્ણ કરે નહિતર ભારતીય કિસાન સંઘ ઉગ્ર લડત આપશે...શિવજીભાઈ બરાડિયા(પ્રમુખ, ભારતીય કિસાન સંઘ, કચ્છ)
અનેક નિર્ણયો બદલાયાઃ કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવા માટે બે બ્રાન્ચ કેનાલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી એક બ્રાન્ચ ટપ્પર ડેમથી મોડકુબા અને બીજી બ્રાન્ચ ટપ્પર ડેમથી રુદ્રમાતા સુધી નિર્ધારિત કરવામાં આવી છે. બે વર્ષ પહેલા સરકારે ઓપન કેનાલને બદલે પાઈપ લાઈનનો નિર્ણય કર્યો હતો. જેનો પંથકના ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધને પરિણામે રાજ્ય સરકારે પાઈપ લાઈનનો નિર્ણય રદ કર્યો હતો. રાજ્ય સરકારે દુધઈ કેનાલ તેની મૂળ ડિઝાઈન મુજબ બનાવવાનું શરૂ કર્યુ છે. અનેક રજૂઆતો બાદ રાજ્ય સરકારે રૂ.1550 કરોડ જેટલી રકમ કેનાલના નિર્માણ કાર્ય માટે ફાળવી હતી. જો કે વારંવાર ટેન્ડર પ્રક્રિયા બદલવામાં આવી રહી છે જેના પરિણામે કેનાલનું કામ ટલ્લે ચડ્યું છે.
ભારતીય કિસાન સંઘ, કચ્છના ચૂંટાયેલા ધારાસભ્યો અને નર્મદા નિગમના અધિકારીઓ સાથે આ બાબતે બેઠક કરવામાં આવી હતી. આ ઓપન બ્રાન્ચ કેનાલ માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ટેન્ડર ખોલવામાં આવશે અને જેમ બને તેમ આ કાર્ય હવે પૂર્ણ કરવામાં આવશે...વિનોદ ચાવડા(સાંસદ, કચ્છ)