કચ્છ : રણપ્રદેશના પ્રગતિશીલ ખેડૂતો હવે દિવસેને દિવસે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, કઈ રીતે જુદા જુદા પાકોમાં ગૌ આધારિત ખેતીની પ્રક્રિયાનું અમલીકરણ કરીને પાકોને રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઇડથી દૂર રાખી ઓર્ગેનિક ઉત્પાદન કરવું તેના માટે આગળ વધી રહ્યા છે, ત્યારે ભુજમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ગ્રાહકોને રસાયણમૂક્ત ભોજન મળે તે માટે અમૃત આહાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શું છે સમગ્ર વાત : રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધ, ખેતી ખર્ચમાં ઘટાડો થાય, ઉત્પાદનમાં વધારો થાય તેમજ ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે, વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેરમૂક્ત શાકભાજી, અનાજ વગેરે મળી રહે તેવા હેતુથી કચ્છ જિલ્લામાં 9મી જૂનથી 11 જૂન સુધી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ત્રિદિવસીય અમૃત આહાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
લોકોને શુદ્ધ, સાત્વિક અને રસાયણમૂક્ત અનાજ : આ અમૃત આહાર મહોત્સવમાં કચ્છ જિલ્લાના દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કે જેઓ કોઇપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના વપરાશ વગર ઉગાડેલા શાકભાજી, મસાલા, ફળપાકો, કઠોળ પાકો, વગેરે પેદાશોનું સીધું વેચાણ કરી રહ્યા છે. કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાના ગામડાઓમાંથી વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરીને લોકોને શુદ્ધ, સાત્વિક અને રસાયણમૂક્ત અનાજ તેમજ શાકભાજી પહોંચાડતા ખેડૂતો આજે અહીં પોતાની વિવિધ પ્રાકૃતિક પેદાશોને સીધા ગ્રાહકને વેચવા આવ્યા છે.
વિવિધ પ્રાકૃતિક પેદાશો : જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલા રાયડો, એરંડો, મધ, ઘઉંની સેવ, રંજકાનું બીજ, તલ, સરસવ, સીંગતેલ, ગોજીવની પંચગવ્ય, ગૌમૂત્રના વિવિધ પ્રોડક્ટ અને દવાઓ, ગોબરમાંથી બનાવેલા પ્રોડક્ટ, બાજરો, ઘઉં, મગફળી તેલ, શાકભાજી, સરગવો, ચણા, મગ, દેશી વાલ, કાળી ઉદડ, મોગળ દાળ, જીરું, લીંબુ, કેરી વગેરે જેવી પેદાશો વેચાણ માટે અહીં લાવ્યા છે.
આજના મહોત્સવનું નામ અમે અમૃત આહાર કે અમૃત જે ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતીથી જે પૈકી પેદાશ તૈયાર કરે છે એને આપણે અમૃત આહાર કહી શકીએ. તેની અંદર કોઈપણ પ્રકારની દવાઓનો છંટકાવ કરેલો ના હોય એટલે આપણે એને અમૃત મહોત્સવ નામ આપેલું છે. આપણે કચ્છ જિલ્લામાંથી જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે અને દેશી ગાય આધારિત ખેતી કરે છે કે જેની અંદર કોઈપણ દવાનો છંટકાવ કરવામાં આવતો નથી, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી તો એવી જ પેદાશો છે અહીં રાખવામાં આવી છે. જેમાં દરેક ખેડૂતને એક પ્લેટફોર્મ મળી રહે અને એ બાબતે આ એક નવીનતમ પ્રયોગ કરવામાં આવ્યો છે. - ડો.કિરણસિંહ વાઘેલા (અધિકારી, કચ્છ જિલ્લા ખેતીવાડી)
ફેમિલી ફાર્મર ઉપયોગમાં લાવવું જોઈએ : હાલમાં લોકો પોતાના પરિવારની અંદર તંદુરસ્તી માટે ફેમિલી ડોક્ટર રાખતા હોય છે. તો ફેમિલી ડોક્ટરની ગમે ત્યારે આપણે જરૂર પડતી હોય છે. એવી જ રીતે આપણે અહીંયા જે સ્ટોલ ગોઠવેલા છે એ ખેડૂત ભાઈનો આપણે ફેમિલી ફાર્મર તરીકે પણ ઉપયોગ કરી શકે કરી અને જે કોઈપણ પેદાશો અને એક અમૃતજીવ છે. એવી પેદાશો આપણે સીધે સીધું ખેતરમાંથી ખરીદી શકીએ અને એનો આપણે ઉપયોગ કરી શકીએ. જેથી કરીને અત્યારે નવી નવી જે બીમારીઓ થયેલી છે એનાથી આપણે મુક્ત થઈ શકીએ.
પ્રાકૃતિક ખેતી મારફતે અનેક પેદાશોનું ઉત્પાદન : પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મણિલાલ માવાણીએ જણાવ્યું હતું કે, હું પ્રાકૃતિક ખેતી કરું છું છેલ્લા 10-12 વર્ષ થઈ ગયા. પહેલા રાસાયણિક ખેતી મેં બંધ કરી દીધી પણ પછી જીવામૃતને છેલ્લા ચાર વર્ષથી ઉપયોગમાં લીધું છે. તો વચ્ચે બેક્ટેરિયા યુક્ત ખેતી પણ કરતો હતો, અત્યારે બિલકુલ પ્રાકૃતિક ખેતી કરું છું. મારી વાડીમાં હળદર, આંબા, નારિયેળ, જામફળ છે બધું એ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કરેલું છે. છેલ્લા 12 વર્ષ થયા બિલકુલ રાસાયણનો ઉપયોગ નથી કર્યું. હળદર છે એ મારી વાડીનો અત્યારે 10 ટન ઉત્પાદન થયું છે. તો એની અંદરથી હું હળદરનો પાવડર બનાવું છું ઉપરાંત ધાણા જીરું, છાશનો મસાલો, ચાટ મસાલોએ બધું પણ નેચરલ છે જે છાયામાં સુકવીને જે પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરી અહીં રાખવામાં આવ્યું છે.