- લખપત ગામના લોકો ખેતી તથા ઉદ્યોગોમાં મજૂરી કરીને કરે છે ગુજરાન
- સરહદી ગામ લખપતમાં રહે છે પચરંગી પ્રજા
- ગામમાં પશુપાલન સાથે સંકળાયેલા માલધારીઓ દૂધ વેંચીને કરે છે જીવનનિર્વાહ
કચ્છ: સરહદી જિલ્લા કચ્છનું સરહદી ગામ લખપત કે જે કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી 135 કિલોમીટરના અંતરે આવેલું છે. લખપત કચ્છ જિલ્લામાં એક ઓછી વસ્તી ધરાવતું ગામ છે. આ શહેર 7 કિલોમીટર લાંબી, 18મી સદીના કિલ્લાની દીવાલોથી ઘેરાયેલું છે અને 200 વર્ષ જૂનું ગામ છે. અહીં 200 જેટલા ઘર છે અને અંદાજિત 600 જેટલા લોકો વસે છે. અહીં પચરંગી પ્રજા રહે છે.
પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે લોકો
લખપત ગામમાં દરેક જાતિના લોકો વસવાટ કરે છે અને તેમાંથી મુખ્યત્વે લોકો ખેતી સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત અહીં વસતા લોકોમાંથી કેટલાક માલધારી છે અને પશુપાલનના વ્યવસાયમાં સંકળાયેલા છે. લોકો ભેંસ અને ગાયનું દૂધ નજીકની સહકારી મંડળીઓને વેંચીને પોતાનો જીવનનિર્વાહ કરતા હોય છે.
આજુબાજુના ઉદ્યોગો મારફતે મળે છે રોજગારી
ગામની બાજુમાં જ ખાનગી ઉદ્યોગો આવેલાં છે જે વર્ષોથી ગામના લોકોને રોજગારી પૂરી પાડે છે. અહીંના ભણેલા લોકો ગામ છોડીને અન્ય શહેરોમાં નોકરી કરવા અર્થે જાય છે તથા જે ઓછું ભણેલા છે તેઓ ગામની આજુબાજુના ઉદ્યોગોમાં મજૂરી કરીને પોતાનું પેટિયું રળે છે.
ટુરિસ્ટ ગાઇડ બનીને પણ કરે છે જીવનનિર્વાહ
આ ઉપરાંત રણોત્સવ દરમિયાન તેમજ પ્રવાસીઓ જ્યારે અહીં માતાનામઢ, નારાયણ સરોવર, કોટેશ્વરની મુલાકાત લેતા હોય છે ત્યારે લખપતમાં આવેલા કિલ્લા અને પ્રાચીન ગુરૂદ્વારાની પણ મુલાકાત લેવા આવતા હોય છે, ત્યારે અહીંના લોકો લોકલ ટુરિસ્ટ ગાઇડ બનીને પણ ક્યારેક રોજગારી મેળવી મેળવતા હોય છે.
વંશપરંપરાગત રીતની રહેણી-કહેણી
ગામમાં મોટાભાગે લોકો પોતાની જાતિ પ્રમાણે પરંપરાગત વસ્ત્રો પહેરતા હોય છે તથા તેમની રહેણી-કહેણી પણ પરંપરાગત રીતની જ હોય છે. ઉપરાંત ભોજનમાં પણ તેઓ સાદું અને પૌષ્ટિક આહાર લેતાં હોય છે. ગામની મહિલાઓ હેન્ડીક્રાફ્ટની બનાવટો પણ બનાવતી હોય છે અને જ્યારે પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે ત્યારે તેમને વેચીને કમાણી કરતા હોય છે. ઉપરાંત અન્ય સ્થળોએ પણ વેચાણ કરીને જીવનનિર્વાહ કરતાં હોય છે.
વધુ વાંચો: જાણો સરહદી ગામ હોડકોના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ, અહીં છે 100 વર્ષ જૂના ભુંગા
વધુ વાંચો: કચ્છમાં 75 ભૂસ્તરશાસ્ત્રીય મહત્વ ધરાવતી જગ્યાઓ મળી આવી, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માગ