જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એમ.પ્રજાપતિના જણાવ્યાં અનુસાર કચ્છની શૈક્ષણિક સંસ્થાઓમાં જળશક્તિ અભિયાન અંતર્ગત જળસંચય અને વૃક્ષારોપણની પ્રવૃતિઓ વધે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથો-સાથ કચ્છની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોથી જળશક્તિ અભિયાનને વ્યાપક બનાવવા કોલેજ કેમ્પસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.
કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ઉપરાંત અન્ય યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી એન્જિનિયરિંગ કોલેજના છાત્રો દ્વારા પણ જળશકિત અભિયાન અને વૃક્ષારોપણના ડીજીટલ પ્રેઝન્ટેશન, ચિત્ર સ્પર્ધા, ચર્ચાસભા, પોસ્ટર વર્ક, કવીઝ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, અને લોકજાગૃતિના નવા-નવા કાર્યક્રમો યોજી કોલેજ કેમ્પસની પ્રવૃતિઓ દ્વારા સમાજમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
જળશકિત અભિયાન અને વૃક્ષારોપણના કાર્યક્રમો દ્વારા કચ્છમાં વહીવટીતંત્ર અને શિક્ષણતંત્ર દ્વારા જનજાગૃતિનું સારૂ એવું વાતાવરણ નિર્માણ થાય એ સાથે કરાઇ રહેલી કામગીરીમાં લોકોનું યોગદાન વધે તેવા પ્રયાસો કરી વૃક્ષારોપણ, વૃક્ષ ઉછેર, વૃક્ષોનું જતન, વરસાદી પાણીનો સંગ્રહ થકી કચ્છમાં જળશકિત અભિયાન અને વૃક્ષારોપણ જેવા અતિ મહત્વના કાર્યોને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.