ભૂજઃ કચ્છ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના અધિક્ષક આઈ. એસ. શિહોરાએ જણાવ્યું હતું કે, લખપત, ભૂજ અને રાપરના ડુંગરાળ વિસ્તારોમાં તીડના જોવા મળ્યાં છે. વિવિધ 12 ટીમ નિયંત્રણની કામગીરી કરી રહી છે. પાકિસ્તાન અને રણ વિસ્તારમાંથી આવેલા આ તીડના ઝૂંડ નાના નાના હોવાથી હાલે ખેતીના પાકને કોઈ નુકસાનના સમાચાર નથી. ડુંગરાળ વિસ્તારમાં જયાં તીડ જોવા મળી રહ્યાં છે ત્યાં દવા છંટકાવ સહિત નિયંત્રણની કામગીરી થઈ રહી છે.
આ ઉપરાંત જે તરફ તીડ આગળ વધે તે વિસ્તારમાં ગ્રામ સેવકની મદદ વડે કામગીરી શરૂ કરવામાં આવે છે. જોકે તીડના ઝૂંડ નાના હોવાથી અને તેનું પ્રજનન ન હોવાથી સ્થિતિ નિયંત્રણમાં છે.
દરમિયાન માલધારી વર્ગ વગડામાં તીડના ઝૂંડથી ભારે ચિંતામાં મુકાયો છે. હાલ દવા છંટકાવની કામગીરી થાય છે પણ રાત્રિના સમયે અને ચોકકસ કામગીરી નહીં થાય તો આગામી સમયમાં સારા વરસાદથી ખીલી ઉઠેલા વગડા તીડ ખાઈ જશેે અને માલધારી વર્ગ માટે ચિંતા ઉભી થશે તેવી ફરિયાદ થઈ રહી છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તારમાં હવાઈ માર્ગે દવા છંટકાવની માગ થઈ રહી છે.