- નવજાત બાળકને તડછોડો નહીં પરંતુ જીવનદાન આપો
- સમાજમાં અવાર નવાર કિસ્સાઓ આવે છે સામે
- નવજાત બાળકોને ફેંકી દેવામાં આવે છે કાંટાળી ઝાડીઓમાં
- સમાજમાં આવા કિસ્સાઓ ના બને તે માટે કરાઈ અપીલ
કચ્છ : સમાજમાં અવાર નવાર લાલબત્તી સમાન કિસ્સાઓ બનતા હોય છે. જેમાં અનિચ્છિત બાળક કે દીકરી જન્મી હોય તો, તેવા નવજાત બાળકોને તડછોડી દેવામાં આવે છે. અને લોકોમાં એવા પ્રશ્નો ઉભા થતા હોય છે કે શું કોઈ માતા આટલી હદ સુધી નિષ્ઠુર બની શકે? કોઈ માતા કેમ પોતાના બાળકને જન્મતાની સાથેજ કાંટાળી ઝાડીઓમાં કે ખાલી પ્લોટમાં ત્યજી શકે છે. ત્યારે તે માતાની પણ કોઈ મજબૂરી હોઈ શકે છે.
બે નવજાત શિશુ ત્યજાયેલી હાલતમાં મળી આવ્યા
કચ્છ જિલ્લામાં ગત રવિવારે ગાંધીધામ નજીકના ઝોન વિસ્તારમાંથી ત્યજેલું એક નવજાત શિશુ મળી આવ્યું હતું. ત્યારે શિશુને રામબાગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું હતું. તો બીજી બાજુ નખત્રાણા તાલુકાના નેત્રા ગામમાં બાંડિયા રોડ પાસેની કાંટાળી ઝાડીઓમાંથી રવિવારે સાંજે ત્યજેલી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું હતું. ત્યારે આ બાળકને નખત્રાણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યું હતું.
1 વર્ષમાં 5 બાળકના ત્યજી દેવાયાના કેસ સામે આવ્યા
નખત્રાણામાં મળેલ બાળકની નાળ કાપ્યા વીના જ કોઈ એ જાડી મા ફેંકી દિધુ હતું. આ બાળક છોકરો હોવાથી ભ્રુણ હત્યા નહીં, પણ કોઇ કુંવારી માતા કે અનૌરસ સંતાન તરીકે હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. ત્યારે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લાં 1 વર્ષમાં 5 કેસ એવા આવ્યા છે, જેમાં નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યાં હોય.
સમાજથી બચવા માટે આવા કૃત્યો થતાં હોય છે
જી.કે.જનરલ હોસ્પિટલના બાળરોગના નિષ્ણાંત ડો.રેખાબેન થડાણીએ જણાવ્યું હતું કે, નખત્રાણાથી મળી આવેલ બાળકની જન્મ્યા બાદ નાળ પણ કાપવામાં નહોંતી આવી, તેને કાંટાળી ઝાડીઓમાં ફેંકી દેવાથી તેને કાંટાઓ પણ ખૂંચ્યા છે. તથા ઘણી વાર આવા કિસ્સાઓ બનતા હોય છે કે, બાળક જન્મતાની સાથે જ તેમને ફેંકી દેવામાં આવે છે, તો ક્યારેક દીકરી જન્મતી હોય છે તો દીકરો ઈચ્છતા હોવાથી આવું કૃત્ય કરવામાં આવતું હોય છે. ક્યારેક બળાત્કારના કેસમાં પણ સમાજથી બચવા માટે આવું થતું હોય છે.
કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા પારણાઘર બનાવવામાં આવ્યું છે
ભુજના એરપોર્ટ રોડ પાસે આવેલ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર કે જે અનાથ બાળકોનો સહારો છે. આ સંસ્થા દ્વારા ગેટ પાસે એક પારણાઘર બનાવવામાં આવ્યું છે, કે જ્યાં જે લોકો બાળક ન ઈચ્છતા હોય તે લોકો અહીં પોતાના બાળકને પારણામાં મૂકી શકે છે. અને તેની પરવરિશ આ સંસ્થા દ્વારા કરવામાં આવશે, અને આવું કરવાથી બાળકના માતાપિતાની ઓળખની ગુપ્તતા પણ જળવાઈ રહેશે. અત્યાર સુધીમાં આ પારણામાં 4 બાળકો મળી આવ્યા છે.
દુર્ગમ વિસ્તારમાંથી ત્યજાયેલ બાળકો મળી આવે ત્યારે 108ને જાણ કરવી
પ્રસૂતિ વિભાગમાં વડા ડૉ. ભાદરકા એ જણાવ્યું હતું કે, "સમાજમાં અવારનવાર આવા કિસ્સાઓ બનતા હોય છે, તો હાલમાં જ જી.કે.જનરલ હોસ્પિટલમાં આવા બે બાળકો સારવાર લઈ રહ્યાં છે. જ્યારે આવા બાળકોને ત્યજી દેવાતાં હોય છે. ત્યારે ડોકટર તરીકે અમારી ફરજ બને છે કે, આવા બાળકોને બચાવી લેવા. આ ઉપરાંત જે કોઈ લોકોને દુર્ગમ વિસ્તારમાંથી આવા બાળકો મળી આવે ત્યારે તાત્કાલિક 108ને કે આસપાસના સંલગ્ન વિભાગને જાણ કરવી."
બાળકને જ્યાં ત્યાં ના ફેંકો - બાળરોગ નિષ્ણાંત ડૉ.રેખાબેન
બાળરોગ નિષ્ણાંત ડૉ.રેખાબેન એ જણાવ્યું હતું કે, "ગત રવિવારે અમારી પાસે બે બાળકો ત્યજાયેલી હાલતમાં આવ્યા હતા. અને તેમને તુરંત સારવાર આપવામાં આવી હતી. અને અમુક વખતે એવું બને છે કે, જો તેને તાત્કાલિક યોગ્ય સારવાર આપવામાં ના આવે તો તેનો જીવ બચાવવો અઘરો બને છે. અમુક કિસ્સાઓમાં પશુ તથા જીવજંતુઓ દ્વારા નવજાત બાળકના અંગોને નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે. અને પરિણામે બાળક બચી શકતું નથી. ત્યારે સમાજમાં એક જ અપીલ છે કે, આપ બાળકના ઈચ્છતા હો તો બાળકને જન્મ જ ના આપો અને જો આવું થઈ જાય તો બાળકને જ્યાં ત્યાં ના ફેંકો. આ ઉપરાંત સરકારને પણ આવા કિસ્સાઓ ના બને તે માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવી જોઈએ."
આ પણ વાંચો : LPG Price Hike : સામાન્ય માણસને આંચકો, LPG સિલિન્ડરની કિંમત વધી, જાણો કેટલી થઇ કિંમત?