કચ્છઃ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે આમ આદમીની પરેશાનીઓ વધી રહી છે. આ સાથે કચ્છમાં ચિરંજીવી અને બાળસખા યોજનાનું ખાનગી હોસ્પિટલોમાં 80 ટકા અમલીકરણ ઠપ્પ થઈ જતાં ગરીબ પરિવારો સારી આરોગ્ય સેવાથી વંચિત થઈ ગયા છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રધાન રફીક મારાએ આ અંગે આરોગ્યપ્રધાન અને રાજ્યના આરોગ્ય કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે. એક લેખિત યાદીમાં રફીક મારાએ જણાવ્યું કે, ચિરંજીવી યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ માટે કચ્છમાં અગાઉ 42 ખાનગી હોસ્પિટલમાં સરકારી ખર્ચે વિનામૂલ્યે નિદાન અને સારવાર સેવા ઉપલબ્ધ હતી.
આ સેવા કચ્છની માત્ર 7 હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. જ્યારે નવજાત શિશુઓ-બાળકો માટે બાલસખા યોજના અંતર્ગત જિલ્લાની ખાનગી 26 હોસ્પિટલોમાં બાળકોની સારવાર થતી હતી. ખાનગી હોસ્પિટલોના નિઓનેટલ ઈન્ટેન્સીવ કેર યુનિટ-NICUમાં 100થી વધુ ઈન્ક્યુબેટરની સુવિધા ઉપલબ્ધ હતી.
જે સેવા હાલ 8 જ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સાથે ખાનગી તબીબોએ લાખો રૂપિયાની ચૂકવણી અટકાવી સરકારી યોજનાનો લાભ આપવાનું બંધ કર્યું છે. આમ, તંત્ર અને તબીબોની ખો-ખો વચ્ચે ગરીબ દર્દીઓ પીસાઈ રહ્યાં છે.