કચ્છ: કચ્છના સરહદી વિસ્તારોમાં શિયાળા દરમિયાન શિકારની ઘટનાઓ વધી જાય છે, કારણ કે, શિયાળાની ઋતુનું આગમન થતાંની સાથે જ કુંજ નામના પક્ષીઓ ખાસ સાયબેરિયાથી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને કચ્છના મહેમાન બને છે. ત્યારે વંગ ગામથી ઉત્તરે કજરવિશન રણ વિસ્તારમાં કુંજ પક્ષી સહિત નીલગાયના શિકારની ઘટના સામે આવી છે, જેના પગલે પક્ષીપ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.
કુંજ-નીલગાયનો શિકાર: કચ્છમાં શિયાળાની ઋતુનું આગમન થતાંની સાથે જ સૌ કોઈનું મન મોહી લેતા એવા પક્ષી કુંજ સાયબેરિયાથી આવીને ગુજરાતને પોતાનું ઘર બનાવે છે. કચ્છના સરહદી વિસ્તાર એવા સરવો, સરાડો, ભગાડિયા સહિતના વિસ્તારોમાં ઘાસનો ખોરાક લે છે. જોકે, આ દરમિયાન આ પંથકમાં બે કુંજ પક્ષી અને નીલગાયના શિકારની ઘટના બહાર આવી છે, જેના કારણે પક્ષીપ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. તો બીજી તરફ પોલીસે શિકારીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક શિકારી ઝડપાયો: વંગ ગામથી ઉત્તરે કજરવિશન રણ વિસ્તારમાં ગેરકાયદે દેશી બંદુક વડે કુંજ પક્ષી તેમજ નિલગાયનો શિકાર કરતી શિકારી ટોળકીના એક સાગરીતને પોલીસે પકડી પાડ્યો છે, જ્યારે 3 શિકારી નાસી છૂટવામાં સફળ રહ્યાં છે.ઝડપાયેલા આરોપીનું નામ સુલેમાન ઈબ્રાહીમ મેમણ છે અને તેની પાસેથી પોલીસે શિકારમાં વપરાયેલ વાહન, ગેરકાયદે દેશી બંદૂક તેમજ તિક્ષ્ણ હથિયારો સહિતની સામગ્રી જપ્ત કરી છે. પણ ઝડપી પાડી છે. સાથે જ શિકાર કરેલ કુંજ પક્ષી અને નીલ ગાય શેરાડો રેન્જ ફોરેસ્ટરને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પેટ્રોલિંગની વઘુ જરૂરિયાત: ઉલ્લેખનીય છે કે બન્ની પંથકમાં સાંજ પડતાં ખોરાકની શોધમાં બહાર નીકળતા વન્યપ્રાણીઓના શિકારની પ્રવૃત્તિ અગાઉ પણ આ વિસ્તારમાંથી ઝડપાઈ ચૂકી છે. ત્યારે કચ્છના મહેમાન ગણાતા સાયબેરિયાથી માત્ર કચ્છમાં આવતા અને રણમાં છારી ઢંઢ આસપાસ રાત ગાળતા કુંજ પક્ષી શિકારીઓની બંદૂકના નિશાને આવતાં વનવિભાગ દ્વારા વધુ સઘન પેટ્રોલિંગ કરવાની તાતી જરૂર છે.