કચ્છ: જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કેે 24મી માર્ચના લોકડાઉનના અમલીકરણ સાથે સમગ્ર કચ્છમાં દોઢ લાખ લોકોનું સ્ક્રિનિંગ કરાયું છે. જેમાં જિલ્લામાં અવર-જવર કરી આવેલા તમામ લોકોનો સમાવેશ થાય છે. જયારે છેલ્લા પાંચ દિવસમાં સત્તાવાર વિગતો મુજબ 12,500 લોકો કચ્છમાં આવ્યા છે જેમાંથી 80 ટકા લોકો મુંબઈથી છે.
તંત્ર મુખ્ય ચેકપોસ્ટ પર ઓનલાઈન એન્ટ્રી કરે છે જેની જાણ જે તે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને થાય છે અને તેમને હોમ કવોરેન્ટાઈન કરી લેવામાં આવે છે. આ ઉપરાંત જે-તે ગામના સરપંચ અને તલાટીને પણ આ અંગેની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે.
આ ઉપરાંત લોકોને જાગૃતિની અપીલ સાથે તેમણે કહ્યું હતું કે હોમ કવોરેન્ટાઈનનો ભંગ અને પરમિશન વગર આવનાર લોકોની જાણકારી માટે તંત્રને સ્થાનિકોએ સહકાર આપવો જોઈએ. માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે.