નલિયા: પ્રખર હિંન્દુવાદી અને રાષ્ટ્રવાદી નેતા ડૉ પ્રવિણ તોગડીયા સ્થાપિત હિંદુસ્તાન નવનિર્માણ દળ અબડાસાની વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવાર મેદાનમાં ઉતારશે. પક્ષના પ્રદેશ અધ્યક્ષ શશીકાંત પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
હિંદુસ્તાન નવનિર્માણ દળ પક્ષના પ્રદેશ અધ્યક્ષ શીકાંત પટેલે જણાવ્યું હતું કે કચ્છને થતા અન્યાય અને કોંગ્રેસ -ભાજપ દ્વારા આચરાતા ભ્રષ્ટાચાર સામે હિંદુસ્તાન નવનિર્માણ દળ ત્રીજો વિકલ્પ પુરો પાડશે. જનતાને સ્વચ્છ અને પ્રમાણિક છાપ ધરાવતા સ્થાનિક ઉમેદવારને અબડાસાની પેટા ચૂંટણીમાં ઉભો રાખવામાં આવશે.
ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જનસંઘના સમયથી ભાજપ માટે દિવસરાત એક કરી કામ કરનારા કાર્યકરો અને નેતાઓની ભાજપ દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. કોંગ્રેસમાંથી આવેલાએને હોદ્દાઓની લહાણી કરવામાં આવી રહી છે. જેના લીધે સ્વચ્છ અને પ્રતિભાવાળા ભાજપ પક્ષની લોકોની નજરમાં ઈમેજ ખરાબ થઈ છે. આજનું ભાજપ કોંગ્રેસની બી ટીમ સમાન બની ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
જિલ્લા ઉપપ્રમુખ નાનજી લાલજી ભાનુશાલીએ અબડાસામાં ભાજપે વકરાવેલા ભ્રષ્ટાચાર થકી પ્રજા પાયમાલ છે. એક વર્ષ પહેલા બનેલા રસ્તાઓ અને પુલ તુટી ગયા છે જ્યારે રાજાશાહી જમાનાના પુલિયા આજે પણ હયાત છે તે શું દર્શાવે છે ? તેવો સવાલ કરી કચ્છમાં ફરજ બજાવતા અધિકારીઓની ગેરકાયદેસર મિલકતોનો હિશાબ માંગી તેમની તપાસ કરવાની માંગ કરી હતી.
આ બેઠકમાં યુવા પ્રમુખ રોહીત અબોટી, મહામંત્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા તાલુકા પ્રમુખ જીલુભા સોઢા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.