આશ્વિન નવરાત્રિના આજે સાતમા નોરતે બપોર બાદ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાંથી એક ઇંચ પાણી વરસી પડયું હતું. સુર્યનારાયણની હાજરી વચ્ચે અચાનક કાળા ડિબાંગ વરસાદી વાદળોથી આકાશ ઘેરાયું હતું અને વરસાદ ત્રાટક્યો હતો. જેથી આસો મહિનામાં આષાઢી માહોલ છવાયો હતો.
આ વરસાદને પગલે ગરબી ચોકમાં પાણી ભરાતા રાત્રે ગરબા આયોજકોને પરેશાની ઉભી થઈ હતી. બીજી તરફ મગફળી, કપાસ, એરંડા, કઠોળ જેવા પાકોને નુકસાન થવાની દહેશત ખેડૂતોએ વ્યક્ત કરી હતી. ખેડૂતોના ઊભા મોલને પાણી ભરાવવાથી થતાં નુકસાનને લીધે હવે ખમૈયા કરો તેવા પોકાર ઊઠી રહ્યા છે. મોંઘવારી અને મંદીની માર વચ્ચે મોલ અને માલ નહીં થાય તો લીલા દુકાળમાં દિવાળી કેમ ઊજવાશે તેની ચિંતા વ્યક્ત થઇ રહી છે.