કચ્છઃ એક તરફ રાજ્ય સરકાર ગુજરાતમાં ટૂરિઝમને ડેવલપ કરવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. જ્યારે ગુજરાત ટૂરિઝમની ભુજ ખાતે આવેલી ઓફિસ જ બંધ હાલતમાં છે. અત્યારે ટૂરિંગ સીઝન ચાલી રહી છે. કચ્છ અને ભુજમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. આવા સમયે ભુજની ટૂરિઝમ ઈન્ફોર્મેશન બ્યૂરોની ઓફિસ જ બંધ હાલતમાં છે. આ ઓફિસ બંધ હોવાથી પ્રવાસીઓને હાલાકી પડી રહી છે.
દોઢ મહિનાથી ઓફિસ બંધઃ ભુજમાં માહિતી કેન્દ્રના ઉપરના માળે ગુજરાત પ્રવાસન નિગમની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં રીનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જેના પરિણામે છેલ્લા દોઢેક મહિનાથી ગુજરાત પ્રવાસન નિગમની ઓફિસ બંધ પડી છે. આ ઓફિસમાં એકલ દોકલ કોન્ટ્રકટ આધારિત કર્મચારી જોવા મળે છે. જે પણ ઓફિસ બંધ હોવાથી બહાર સોફામાં સમય પસાર કરતા હોય છે. જ્યારે કોઈ કાયમી કર્મચારીઓ પણ અહીં નથી. શરુઆતમાં એક-બે દિવસ કાયમી કર્મચારીઓ આવ્યા હતા જેઓ પણ પછીથી જતા રહ્યા છે. આવી સ્થિતિમાં કચ્છમાં આવેલા પ્રવાસીઓને સમયસર અને સચોટ માહિતી મેળવવામાં તકલીફ પણ પડી રહી છે.
સીઝનમાં જ રીનોવેશન?: રીનોવેશન શરુ થતા ભુજની જ અન્ય સરકારી કચેરીઓમાં એક રુમમાં ટૂરિઝમની હંગામી ઓફિસ શરુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે દોઢ મહિનો થયો પણ હજૂ સુધી આવી વ્યવસ્થા થઈ શકી નથી. અત્યારે ટૂરિસ્ટ્સ અને સ્થાનિકોને એક જ પ્રશ્ન સતાવે છે કે શા માટે ટૂરિંગ સીઝનમાં જ રીનોવેશન શરુ કરવામાં આવ્યું ? ઓફ સીઝનમાં પણ ઓફિસનું રીનોવેશન થાત તો ટૂરિસ્ટ્સને અત્યારે જ પડે છે તે તકલીફો ન પડત.
વિદેશથી આવતા પ્રવાસીઓ કચ્છમાં ફરવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અપાતી માહિતી પર વધુ વિશ્વાસ દર્શાવતા હોય છે. જો કે કોઈ અધિકારી હાજર ના રહેતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સમયસર ગુજરાત પ્રવાસન નિગમની કચેરી શરૂ કરે તે અનિવાર્ય છે...નયન રાણા(સ્થાનિક, ભુજ)
ઓફિસ રીનોવેશન કરવાનું અગાઉથી નક્કી જ હતું. જો કે દિવાળી દરમિયાન કારીગરો રજા પર જતા રહેતા રીનોવેશન થોડું લેટ થઈ ગયું છે. આગામી ટૂંક સમયમાં રીનોવેશન પૂર્ણ થતા ઓફિસ ફરીથી કાર્યાન્વિત થઈ જશે. અત્યારે કર્મચારીઓ પ્રવાસીઓને માહિતી પૂરી પાડવાનું કામ કરી જ રહ્યા છે. દરેક કર્મચારી પ્રોટોકોલ પ્રમાણે કાર્યરત છે. કોન્ટ્રાક્ટ આધારિત નવા કર્મચારીઓ પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ઓફિસ સિવાયના સ્થળોએ પણ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે...સૌરભ પારધી(કમિશ્નર, ગુજરાત ટૂરિઝમ નિગમ, ગાંધીનગર)