કચ્છ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભૂજથી સીધા કચ્છના સફેદ રણની મુલાકાતે પહોંચ્યા હતા. આ પહેલા ટેન્ટ સિટીમાં આવેલ ક્રાફ્ટ બજારની મુલાકાત લઇ કચ્છના સ્થાનિક કલા કારીગરો સાથે વાતચીત કરી કચ્છી કળા અને વણાટ અંગેની ઝીણવટભરી માહિતી મેળવી હતી અને તેમના ધર્મપત્ની સાથે કચ્છી શાલ અન્ય વસ્તુઓ ખરીદી હતી. આચાર્ય દેવવ્રતજીએ ઊંટગાડી પર બેસીને સફેદ રણની સહેલગાહ કરી હતી.
કચ્છના સફેદરણમાં સૂર્યાસ્ત નિહાળી આચાર્ય દેવવ્રતજીએ અનોખો લ્હાવો લીધો હતો. જ્યાં આચાર્ય દેવવ્રતજીએ વિવિધ પોઝ આપીને ફોટોગ્રાફી પણ કરાવી હતી. સૂર્યાસ્ત નિહાળ્યા બાદ ખુલ્લા આકાશમાં વિવિધ કલાકારો દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાનો પણ લ્હાવો લીધો હતો. સફેદ રણની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાથે તેમના પરિજનો પણ જોડાયા હતા. સફેદ રણની મુલાકાત પ્રથમ કાળા ડુંગરની મુલાકાત લીધી હતી. કાળા ડુંગરની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્યજીએ પ્રવાસનધામ કાળો ડુંગરના વિવિધ સ્થાનોની મુલાકાત લીધી હતી અને દૂરબીન દ્વારા ઇન્ડિયા બ્રીજ અને સરહદ નિહાળી હતી.
આ ઉપરાંત ધોરડો ગ્રામ પ્રવાસન વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગેટ વે ઓફ રણ રિસોર્ટની મુલાકાત લઇ કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે થઇ રહેલા વિકાસ કાર્યો અંગે માહિતગાર થયા હતા. ગેટ વે ઓફ રણ રિસોર્ટના મુલાકાત વેળાએ ધોરડો ગામના સરપંચ મીયાં હુસૈન દ્વારા કચ્છી શાલ ઓઢાડી રાજ્યપાલ દેવવ્રતજીનું સ્વાગત કરાયું હતું. રણ રિસોર્ટની મુલાકાત વેળાએ સ્થાનિક કચ્છી લોક કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ લોકસંગીત માણવાનો પણ લ્હાવો લીધો હતો. કચ્છી લોકવાદ્ય મોરચંગ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી આ વાદ્ય કઇ રીતે વાગે છે અને તેની વિશેષતા અંગે પૂછપરછ કરી હતી.
બીજા દિવસની મુલાકાત પ્રવાસમાં રાજયપાલ ભૂજ પહોંચ્યા છે. તેઓ આજે ભૂજ ટાઉન હોલ ખાતે પ્રાકૃતિક શિબિર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને સાંજ 6 વાગ્યે કચ્છના પ્રચાર-પ્રચાસ માધ્યમો સાથે મુલાકાત કરશે.