કચ્છઃ રાજ્ય સરકારે સર્વે APL-1 રાશનકાર્ડ ધારકોને એપ્રિલ માસનું અનાજ વિનામૂલ્યે વિતરણ કરવાનું નકકી કર્યુ છે. ત્યારે કચ્છમાં પણ આ આયોજન ગોઠવી દેવાયું છે. તમારા કાર્ડના અંક મુજબ કાર્ડધારકે રાશનની દુકાનેથી સામાજિક અંતર સહિતના નિયમોનું પાલન કરીને આ અનાજ મેળવી શકશે. જ્યારે ભૂજના માધાપરને બફર ઝોનમાં હોવાથી તેના માટે અલગ વ્યવસ્થા કરાશે.
જિલ્લા પુરવઠા અધિકારી એસ. એમ કાથડના જણાવ્યા પ્રમાણે કાર્ડના છેલ્લા બે ડિઝીટ આધારિત વિતરણ આયોજન ગોઠવવામાં આવ્યું છે. રેશનકાર્ડાના છેલ્લા આંકડા મુજબ 1-2 આંકડા ધરાવતા ગ્રાહકોને તારીખ 13 મીએ, 3-4 આંકડા ધરાવતા ગ્રાહકોને 14 મીએ, 5-6 આંકડા ધરાવતા ગ્રાહકોને 15મીએ, 7-8 આંકડા ધરાવતા ગ્રાહકોને 16મીએ અને 9-0 ડિઝીટવાળા કાર્ડધારકોએ 17મી એપ્રિલે વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ લેવો.
જે APL-1 કાર્ડધારકોને ફાળવેલી તારીખોમાં રાશન લેવા ના જઇ શકે તેઓએ તારીખ. 18-4- 2020ના રોજ લાગુ પડતી વ્યાજબી ભાવની દુકાનનો સંપર્ક કરી રાશન મેળવી લેવાનું રહેશે. આ કાર્ડધારકોએ રાશનકાર્ડ તથા આધારકાર્ડની અથવા તેની નકલ ફરજિયાત સાથે લાવવાની રહેશે.
બીજીતરફ ભૂજના માધાપર તેમજ આસપાસના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરેલા હોવાથી આ વિસ્તારના APL 1કાર્ડધારકો માટે તંત્ર દ્વારા આ અંગેની અલગ વ્યવસ્થા કરવામાં આવશે. અને તેની જાણકારી અલગથી કરવામાં આવશે.